Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સરદાર પટેલના સંદેશને જનજન સુધી પહોંચાડવા

ભાવનગર જિલ્લામાં ૨૦મીથી બે તબક્કામાં એકતા યાત્રા ગામોમાં ફરશે

ભાવનગર તા.૧૨: દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સોૈથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્દઘાટન એક સંભારણું બને તેવા ભવ્ય કાર્યક્રમ, સરદાર પટેલના સંદેશને હાલના જનજીવનમાં તેની અગત્યતા સાથે લોકો સુધી પહોંચાડવા, સક્ષમ અને અખંડ ભારત માટે ધાર્મિક સંવાદિતતાનો સંદેશ પ્રસરાવવો અને સોૈમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વિકસાવવી તેમજ જ્ઞાતિ ધર્મથી પર રહી રાષ્ટ્રવાદ કેળવવાના વિષયોને આવરી લઇ આ યાત્રાનુ઼ આયોજન કરવામાં આવ્યું છે.

સરદાર વલ્લભભાઇ પટેલના જીવન કવનની માહિતી જનજન સુધી પહોંચે તેમજ સામાજીક એકતા અને અખંડ ભારતનો સંદેશો પહોંચાડવાના આશયથી એકતા યાત્રા-સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું રાજયવ્યાપી આયોજન બે તબક્કામાં કરવામાં આવનાર છે. આગામી પ્રથમ તબક્કામાં તા.૨૦થી તા.૨૯ દરમિયાન તથા બીજા તબક્કામાં તા.૧૫-૧૧-૧૮થી ૨૪-૧૧-૧૮ સુધી ભાવનગર જિલ્લાના ગામોમાં એકતા રથ ફરશે.

આ એકતા યાત્રા દરમિયાન સરદારના જીવન કવન અને યોગદાન વિષયક નિબંધ સ્પર્ધા, પ્રશ્નોતરી સ્પર્ધા, ચર્ચા સ્પર્ધાઓ યોજાશે તેમજ વિશેષ રથ સાથે રાષ્ટ્રીય એકતા અંતર્ગત વિડીયો પણ પ્રદર્શિત કરાશે. ગામોમાં રાત્રી દરમિયાન કૃષિ વિષયક માહિતી, ખેડૂત સભા પણ યોજાશે.(૧.૨)

(12:08 pm IST)