Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુરેન્દ્રનગર જિલ્લામાં બે તબકકામાં ૩૬૦ ગામોમાં એકતાનો સંદેશો ફેલાવાશે

સુરેન્દ્રનગર, તા.૧૨: સમગ્ર ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીની ઉજવણી અંતર્ગત તારીખ ૨૦ મી ઓકટોબરથી તા.૨૯ મી ઓકટોબર અને ૧૨ મી નવેમ્બરથી તા.૨૧ મી નવેમ્બર એમ બે તબકકામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ બે તબકકામાં એકતા યાત્રાનું આયોજન સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

એકતા યાત્રા સંદર્ભે વિવિધ કામગીરી ફાળવેલ જિલ્લાના અધિકારીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષકુમાર બંસલે વિગતો આપતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૨૦ ઓકટોબર થી તા.૨૯ ઓકટોબર અને તા.૧૨ નવેમ્બર થી તા.૨૧ નવેમ્બર એમ બે તબકકામાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વીસ દિવસ ચાલનારી આ એકતા યાત્રા માટે બે રથ તૈયાર કરવામાં આવશે જે જિલ્લાના વિવિધ ગામોમાં ફરશે.

આ રથમાં જિલ્લાના ૩૬૦ જેટલા ગામોમાં ફરી લગભગ ૬૦ ટકા ગામો આવરી લેશે. તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રથમ તબકકામાં ૫૦ ટકા ગામો અને બીજા તબકકામાં ૫૦ ટકા ગામોમાં આ રથ ફેરવવામાં આવશે. દિવસ દરમ્યાન એક રથ દશ ગામોમાં ફરે તેવું આયોજન કરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્ટેચ્યું ઓફ યુનીટીની ઉજવણી અંતર્ગત ભવ્ય રીતે એકતા યાત્રાનું આયોજન થાય તે માટે વિવિધ વિભાગના અધિકારીઓને ફાળવેલ કામગીરી સુપેરે કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે અધિક કલેકટરશ્રી એન.ડી. ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી શૈલેષ શાહ, નાયબ કલેકટરશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, ચીફ ઓફીસરશ્રીઓ સહિત વિવિધ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા વિશ્વ માનસિક દિવસની ઉજવણી

સુરેન્દ્રનગરઃ રાજસોભાગ સત્સંગ મંડળ અને આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા દ્વારા સુરેન્દ્રનગર ખાતે કાર્યરત ચાલતા ઉપાસના વિકલાંગ પુનઃસ્થાપન કેન્દ્રમાં જિલ્લા મેન્ટલહેલ્થ અને અંધજન મંડળ દ્વારા ચાલતા પ્રોજેકટમાં વિશ્વ માનસિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટના એકઝીકયુટીવ ડાયરેકટરશ્રી આર.એસ. જાદવ તેમજ સુપરવાઇઝરશ્રી આર.જી. જાદવે પ્રાસંગિક ઉદબોધન કરી માનસિક બિમાર વ્યકિતઓના વાલીઓને સવિસ્તાર સમજણ આપી માનસિક રોગો અંગે માહિતગાર કર્યા હતાં. માનસિક બિમારી ધરાવતા વ્યકિતઓના વાલીઓને અંધશ્રધાથી દુર રહી યોગ્ય ચિકિત્સા દ્વારા માનસિક ક્ષતિ ધરાવતા વ્યકિતઓની સારવાર અને ઇલાજ કરાવવા માટે ઉપસ્થિત માનસિક બિમારના વાલીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં માનસિક બિમાર વ્યકિતઓના વાલીગણ ઉપસ્થિત રહયા હતાં.(૨૩.૩)

(12:04 pm IST)