Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

જામનગરમાં કોરોના મહામારી વચ્ચે બ્રાસ ઉદ્યોગમાં ફરી ધમધમાટ

રાજ્ય સરકારની નવી ઉદ્યોગ નિતીથી જામનગરના વિશ્વ વિખ્યાત ઉદ્યોગને શ્વાસરૂપી નવી ઉર્જા પ્રાપ્ત થઇ

બ્રાસ સિટી ગણાતા જામનગરમાં કોરોનાના કપરા કાળમાં ફરી બ્રાસ ઉદ્યોગ ધમધમવા લાગ્યા છે બ્રાસ ઉદ્યોગના ફાઇલ ફોટા (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૨ : : બ્રાસ સીટી વિશ્વ વિખ્યાત જામનગર કોરોનાની મહામારી વચ્ચે બેઠું થઈ રહ્યું છે. ચશ્માના સ્ક્રુથી લઈને હેલીકોપ્ટરના પાર્ટસ બનાવતા જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ચીન સાથેના કડવાશ ભર્યા સંબંધો વચ્ચે પણ આત્મનિર્ભર બની જામનગરના ઉધોગપતિઓ ફરી બેઠા થયા છે. ખાસ કરીને રાજય સરકારની નવી ઉદ્યોગ નિતીથી પણ જામનગરના ઉદ્યોગને શ્વાસ રૂપી નવી ઉર્જા પ્રાપ્ત થઈ છે.

વિશ્વ વ્યાપી કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન અને અનલોક–૧થી ૪ના સમય ગાળા દરમ્યાન ઉદ્યોગ ધંધાને માઠી અસર પડી હતી પરંતુ હાર ન માને એ ગુજરાતી સમય અને સંજોગો અનુસાર જીવન નિર્વાહ કરવા કોઈને કોઈ યુકિત શોધી કાઢે છે. ત્યારે જામનગરમાં  જ કોરોનામાં શ્વાસની બિમારીને કંટ્રોલ કરવા માટે જરૂર પડતા વેન્ટીલેટરનો પર્યાય ધમણને સંશોધન કરવામાં અને મેન્યુફેકચરીંગમાં જામનગરના બ્રાસ ઉદ્યોગનો સિંહ ફાળો છે. આફતના સમયે પણ આફતોનો સામનો કરવા જામનગરીઓનું જોમ હંમેશા ખમીરવંતુ જ હોય છે. ત્યારે હાલમાં કોરોના કાળ વચ્ચે અસમંજસમાં મુકાયેલા ઉદ્યોગપતિઓ ફરી પોતાના ધંધા રોજગાર અને કારીગર અને મજુર વર્ગની ખેવના કરવા બેઠા થયા છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઈના માર્કેટે સસ્તી અને તકલાદી વસ્તુઓથી કાઠુ કાઢવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ ચાઈનાથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે કોરોના વાયરસના સુપર સ્પેડર ગણાતા ચાઈના સામે ઠેર ઠેર વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. ત્યારે ભારતે પણ વિશ્વ વ્યાપી મહામારી વચ્ચે આર્થીક રીતે ભાંગી પડેલા ભારતને ઉભુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાનને ભારતીયોએ ઉપાડી લીધું છે. અને આ અભિયાન અંતર્ગત ગુજરાતની રૂપાણી  સરકારે પણ નવી ઉદ્યોગનીતીથી ઉદ્યોગજગતને નવો શ્વાસ પુરવાનું કામ કર્યું છે.  જામનગર બ્રાસ ઉદ્યોગને હરીફાઈની દ્રષ્ટિએ ચાઈના નો માલ બહુજ ભારતીય માર્કેટ તથા આંતર રાષ્ટ્રિય માર્કેટમાં નડતર રૂપ હતું તે હવે ચાઈનાની સાથેનો વેપાર ઓછો અથવા બંધ જેવો જ થતાં જામનગર કે જે દુનિયા આખીમાં બ્રાસ સીટી તરીકે ઓળખાય છે તે તેનું નામ પરત મેળવી શકયું છે હાલના સંજોગોમાં જામનગરમાં બનતી ચીજો સેનેટરી, ઓટો પાર્ટસ, ઈમીટેશન, પેન પાર્ટ, ઈલેકટ્રીકલ્સ, ઈલેકટ્રોનિસ ચીજો બનાવતા કારખાનાઓમાં જે સીધી કે આડકતરી રીતે ચાઈના સાથે હરીફાઈ નો સામનો કરતા હતા તેઓને હવે તે સામનો કરવાનો હોય અને તેઓની માલની ગુણવતાં ચાઈનીઝ માલ કરતા સારી હોય તેઓને ભારતીય તથા આંતરરાષ્ટ્રિય માર્કેટ માં કામ મળવા લાગ્યું છે.

(11:31 am IST)