Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ઉંઝામાં ડીસેમ્બરમાં 'લક્ષચંડી મહાયજ્ઞ': ઉછામણીમાં સવા ચાર કરોડની બોલી સાથે મુખ્ય યજમાનનો લ્હાવો મોરબીના ઉદ્યોગપતિને

અખંડ જ્યોત પાઠશાળા, મુખ્ય યજ્ઞકુંડ સહિત ૧૪ જેટલી ઉછામણીઃ 'ઓનલાઈન પેમેન્ટ ગેઈટવે'નું લોન્ચીંગ

રાજકોટ, તા. ૧૨ :. કરોડો પાટીદારોના તીર્થસ્થાન ઉંઝામાં આગામી તા. ૧૮ થી ૨૨ ડિસેમ્બર દરમિયાન યોજાનારા ભવ્યાતિભવ્ય 'લક્ષચંડી મહાયજ્ઞ' નિમિતે કરોડો પાટીદારોની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન માં ઉમિયાના સાનિધ્યમાં ભવ્ય ઉછામણીનો કાર્યક્રમ યોજાયો હતો.

પ્રારંભમાં 'જય માં ઉમિયા'ના જયઘોષ તથા મંત્રોચ્ચાર સાથે ઉછામણીનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે ૧૦,૦૦૦થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉછામણીમાં રૂ. ૪,૨૫,૫૫,૫૦૧ની દાન સાથે મોરબીની સનહાર્ટ ફેકટરી (વરમોરા ગ્રુપ)ના માલિક (હાલ અમદાવાદના ઉદ્યોગપતિ) શ્રી ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા (પટેલ)ને મુખ્ય યજમાન બનવાનું ઐતિહાસિક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

સીદસર મંદિરના ટ્રસ્ટી ડી.એન. ગોલ દ્વારા માતાજીની અખંડ જ્યોત પાઠશાળા સ્થાપનની ઉછામણીમાં ૧૧,૧૧,૧૧૧નું માતબર દાન આપી યજમાન બન્યા છે. રૂ. ૧,૧૧,૧૧,૧૧૧ના દાન સાથે અમદાવાદના મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ (એમએપી) બીજા કુંડના યજમાન બન્યા છે. આ પ્રસંગે સમાજના દાનેશ્વરીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય-સામાજિક આગેવાનો તથા ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મુંબઈ, ઈન્દોર સહિત દેશભરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય યજમાન ઉપરાંત મુખ્ય ૧૪ જેટલી ઉછામણી દરમિયાન ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ભોજન સહિતની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ૮૦૦ વિઘા જમીનમાં યોજાનારા આ પાંચ દિવસીય 'લક્ષચંડી મહાયજ્ઞ'માં દેશ-વિદેશથી ૬૦ લાખ જેટલા ભકતો દિવ્ય દર્શન માટે પધારશે.

દસકોઈના ધારાસભ્ય અને લક્ષચંડી મહોત્સવના ચેરમેન બાબુભાઈ જે. પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત ઉછામણીના આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ મણીભાઈ પટેલે 'ઓનલાઈન પેમેન્ટ ગેઈટવે'નું લોન્ચીંગ કર્યુ હતું. તેમણે જણાવ્યુ કે વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પાટીદાર સમાજે ડેવલપ થશે. સંસ્થાનના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ કામેશ્વરે સ્વાગત પ્રવચન કર્યુ હતું. યજ્ઞના મુખ્ય આચાર્ય રાજેશભાઈ એ આ યજ્ઞનું મહત્વ સમજાવ્યુ હતું. સંસ્થાનના મંત્રી દિલીપભાઈ પટેલે (નેતાજી) લક્ષચંડી મહાયજ્ઞની ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી.

કાર્યક્રમમાં યજ્ઞના પ્રોજેકટ ચેરમેન આઈએએસ મહેન્દ્રભાઈ એસ. પટેલ (સચિવશ્રી ગાંધીનગર), ઉંઝાના ધારાસભ્ય શ્રી આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલ, યજ્ઞના કન્વીનર અરવિંદભાઈ કે. પટેલ (એમએપી ગ્રુપ-અમદાવાદ) સંગઠન કન્વીનર પ્રવિણભાઈ પટેલ તથા મંત્રી નિતીનભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી ઉંઝા મંદિરના ઉપપ્રમુખ ગટોરભાઈ પટેલ, સીદસર મંદિરના ઉપપ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, મંત્રી તથા એડી. કલેકટર જયેશભાઈ પટેલ, સીદસર મંદિરના ટ્રસ્ટી તથા પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ તથા તેના નેતૃત્વમાં સમાજના ટ્રસ્ટીઓ અને આગેવાનોની ટીમ, સીદસર મંદિરના ટ્રસ્ટી તથા ઉંઝા મંદિરના કારોબારી સભ્ય પરસોતમ ફળદુ, ઉંઝાના કારોબારીના સભ્ય મનીષભાઈ ચાંગેલા, કારોબારી સભ્ય ખેતશીભાઈ પટેલ (સુરેન્દ્રનગર), પટેલ સમાજના ઉપપ્રમુખ નરોતમભાઈ કણસાગરા, વસંતભાઈ ભાલોડીયા (ઓરકેવ ગ્રુપ), સીદસર મંદિર સંગઠન સમિતિ તથા લક્ષચંડી યજ્ઞ રાજકોટના કન્વીનર કાંતિભાઈ ઘેટીયા, કાંતિભાઈ માકડીયા તથા પ્રફુલભાઈ કાથરોટીયાની ટીમ, લક્ષચંડી યજ્ઞના સૌરાષ્ટ્રના મીડિયા ઈનચાર્જ પ્રો. ડો. જે.એમ. પનારા, સમાજના માનદ મંત્રી કિશોરભાઈ ઘોડાસરા, પટેલ પ્રગતિ મંડળના માનદ મંત્રી સંજયભાઈ કનેરીયા, ખજાનચી જગદીશભાઈ પરસાણીયા, ટ્રસ્ટી શ્રી નાથાભાઈ કાલરીયા, મગનભાઈ ધીંગાણી, જમનભાઈ ભલાણી, મનસુખભાઈ જાગાણી (ખેડૂત ગ્રુપ), પરસોતમભાઈ ડઢાણીયા, ઈશ્વરભાઈ વાછાણી, વલ્લભભાઈ પટેલ (પંચવટી), રાજકોટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ ધમસાણિયા, ફિલ્ડ માર્શલવાડી સામાકાંઠાના પ્રમુખ પ્રતાપભાઈ સીણોજીયા, કિરીટભાઈ સાદરીયા (ઝાલાવાડ ખાખરીયા સમાજ), જગતભાઈ પટેલ, કડવા પટેલ સમાજ કેશોદના પ્રમુખ ગોપાલભાઈ ખાનપરા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉંઝા ખાતે ઉમટી પડયા હતા.

(3:38 pm IST)