Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સવારે વંથલી-૨, માણાવદર-જુનાગઢમાં ૧II ઇંચ વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું જોર ઘટ્યુઃ મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા.૧૨: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા આજે સવારથી વરસાદનુ જોર થોડુ ઘટયુ છે જો કે જુનાગઢ જીલ્લામાં ઝાપટાથી ર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આજે સવારથી સર્વત્ર મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે. અને હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

જુનાગઢ

જુનાગઢઃ જુનાગઢ જિલ્લામાં આજે પણ મેઘસવારી ચાલુ રહી છે. સવારે વંથલીમાં વધુ બે ઇંચ, માણાવદર અને જૂનાગઢમાં દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૨૪ કલાક દરમ્યાન સોરઠમાં ૫૯૧ મીમી એટલે ૨૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેમાં કેશોદમાં ૬૫ (૯૪૫ મીમી) જુનાગઢ-૭૮(૧૦૪૨), ભેસાણ-૩૪ (૯૫૦)મીમી, મેંદરડા-૨૦(૧૧૩૫), માંગરોળ-૬૨(૭૯૬), માણાવદર-૮૪(૮૭૨), માળીયા હાટીના-૩૦(૧૦૩૪), વંથલીમાં ૫૭(૧૧૩૧) અને વિસાવદર તાલુકામાં ૮૩ (૧૭૨૮)મીમી વરસાદનો સમાવેશ થાય છે.

જૂનાગઢમાં ગઇકાલે ત્રણ ઇંચ વરસાદ પડ્યા બાદ આજે પણ મેઘરાજા અટકયા વગર હેત વરસાવવાનું ચાલુ રાખેલ છે સવાર ૮ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થતાં સવારના ૧૦ વાગ્યા વધુ ૩૬ મીમી વરસાદ નોંધાયો છે.

ગિરનાર અને દાતાર પર્વતમાં પણ વરસાદને લઇ આજે પણ સોનરખ અને કાળવા નદીમા પુરની સ્થિતી રહી છે.

જૂનાગઢની માફક માણાવદર તાલુકામાં આજે પણ મેઘાનો મુકામ રહ્યો છે માણાવદરમાં સવારના ૧૦ સુધીમાં વધુ ૩૦ મીમી વરસાદ વરસતા જનજીવનને અસર થઇ છે.

વંથલી અને તેના આસપાસના વિસ્તારોમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ આવતા વંથલી અમુક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

આમ જૂનાગઢ, માણાવદર અને વંથલી તાલુકામાં આજે પણ વરસાદ ચાલુ રહેવાથી હવે અતિવૃષ્ટિની સ્થિતીનું નિમાર્ણ થવાની શકયતા વધી ગઇ છે.

કેશોદ,ભેસાણ, મેંદરડા, માંગરોળ, માળીયા અને વિસાવદર તાલુકામાં નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.

જામનગર

જામનગરઃ છેલ્લા ૨૪ કલાકમા જામજોધપુરમા ૪, જામનગરમાં પોણા ૩ ઇંચ, જોડિયા અને કાલાવડમા સવા ઇંચ તથા લાલપુરમા એક ઇંચ વરસાદ પડ્યો છે આજનું હવામાન ૩૧ મહતમ, ૨૫.૨ લઘુતમ, ૯૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

લાલપુર

લાલપુરઃ બપોરે બે વાગ્યે ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજ ૬ વાગ્યા સુધીમાં ૧ ઇચ જેટલો વરસાદ થયેલ હતો તેમજ લાલપુર ગામડાઓમાં વધારે વરસાદ હોવાથી  લાલપુર ઢાંઢર નદીમાં પુર આવેલ તેમજ રૂપાવટી ડેમ જેની ઉંડાઇ ૧૫ ફુટ છે જે ઓવરફલો થયેલ હતો.

ભુજ

ભુજઃ છેલલા બે દિવસ થયા કચ્છમાં મેઘરાજાએ પોરો ખાધો છે. પણ વાતાવરણ ભારે ઉકળાટવાળું છે. સમગ્ર કચ્છ જિલ્લામાં સખત ગરમી અને બફારાના કારણે લોકો અકળાઇ ઉઠ્યા છે. જોકે, મુન્દ્રા તાલુકાના અમુક ગામોમાં ગઇકાલે છુટા છવાયા જોરદાર ઝાપટાં પડ્યા હતા. કુંદરોડી, રતાડીયા, નાના કપાયા,બગડા,ધ્રબમાં જોરદાર ઝાપટાં સાથે પાણી વહી નીકળ્યા હતા. અંદાજે એકાદ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. મુન્દ્રા તાલુકાના અનેક ગામોમાં તળાવોમાં તેમ જ ડેમોમાં નવા નીર આવ્યા છે. વરસાદને પગલે ખેડૂત તેમજ માલધારીવર્ગ ખુશખુશાલ છે.

જામકંડોરણા

જામકંડોરણાઃ કાલે બપોરથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો જે સાંજના ૬ વાગ્યા સુધીમાં ૨૬મીમી (એક ઇચ) વરસાદ નોંધાયેલ છે આ સાથે મોસમનો કુલ વરસાદ ૬૪૮ મીમી થયેલ છે.

(11:58 am IST)
  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • ભારતીય સેનામાં પહેલીવાર સિપાહીના પદ માટે મહિલાઓની ભરતી :મોટી સંખ્યામાં યુવતીઓ ઉમટી પડી : ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 4458 ઉમેદવારોએ પરીક્ષા આપી : સીમા સુરક્ષા દળ માફક ભારતીય સેનાએ મહિલાઓ માટે ભરતી કરવા નિર્ણંય : ભારે પ્રતિસાદ મળ્યો access_time 12:59 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST