Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સીમીના પૂર્વ પ્રમુખ શાહીદ બદ્રને ભુજ કોર્ટમાં રજૂ કરાયોઃકાલે સુનાવણી

ભુજ,તા.૧૨: કચ્છ પોલીસ અને સીમીના પૂર્વ પ્રમુખ શાહીદ બદ્ર વચ્ચે યુપીના આઝમગઢની કોર્ટમાં ચાલતા કાયદાકીય જંગ વચ્ચે શાહિદ બદ્ર એકાએક ભુજ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો.

આઝમગઢની કોર્ટે ભુજ પોલીસના ટ્રાન્ઝિસ્ટ વોરંટને નામંજૂર કરી એક અઠવાડિયામાં ભુજ પોલીસમાં હાજર થવાની શાહીદને તાકીદ કર્યા બાદ ભુજ પોલીસે શાહીદનો કબ્જો મેળવવા માટે આઝમગઢ કોર્ટમાં રિવિઝન અરજી ફાઇલ કરી હતી.

તે વચ્ચે શાહીદ બદ્ર ગઈકાલે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. પોલીસે કટ્ટરવાદી સંસ્થા સીમીના આ પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના તબીબ ડો. શાહીદ બદ્રને ભુજ કોર્ટમાં રજૂ કર્યો હતો. દરમ્યાન ભુજ કોર્ટમાં જજ હાજર ન હોવાથી હવે તેને કાલે શુક્રવારે ભુજ કોર્ટમાં રજૂ કરવાની મુદ્દત પડી છે.

મૌલાના શાહીદ બદ્રની સામે ૨૦૦૧ માં ભુજમાં કોમી વૈમનસ્ય વાળું ભાષણ દેવા બદલ ગુનો દાખલ થયો હતો. આ જાહેરસભામાં પોલીસ દ્વારા વીડીયોગ્રાફી કરતી વેળાએ સીમીના તત્કાલીન પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ શાહીદ બદ્રએ પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.(૨૨.૧૬)

(11:56 am IST)