Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

સૌરાષ્ટ્રભરમાં કાલે ઉર્ષે નૂરી મનાવાશે

કરોડો અનુયાયીઓ ધરાવતા સુન્ની સમાજના વડા મુફતીએ આ'ઝમ હિન્દનો રાત્રીના ૧-૩૮ વાગ્યે કુલશરીફ થશેઃ જુનાગઢમાં સર્વત્ર જલ્સોઃ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર પધારતા બરૈલીના સૈફરઝા : ગોંડલમાં નાની વયના વકતા ગુલામ બરકાતીની ગુજરાતમાં પહેલીવાર પધરામણી રાજકોટમાં કાલે હૈદરી ચોક અને આજે રાત્રે હુશૈની ચોકમાં જલ્સો

રાજકોટ, તા. ૧ર : એશિયા ખંડના સુન્ની મુસ્લિમ સંપ્રદાયના વડા ઇમામ અહેમદ રઝાખાન ફાઝીલે બરૈલ્વી (રહે.)ના સુપુત્ર અને માત્ર ટૂંકા નામે મશહુર હુઝુર.મુફતીએ આ'ઝમ હિન્દ (રહે.)નો રાબેતા મુજબ ૩૯મો ઉર્ષ શરીફ તેઓની દરગાહ ઉતરપ્રદેશના બરૈલી શરીફ ખાતે ઉજવવામાં આવનાર છે.

આ પ્રસંગે ભારતભરમાં જ નહીં વિશવના અનેક દેશોમાં આવતીકાલે રાત્રે 'ઉર્ષ નૂરી' ના નામે તેઓની સ્મૃતિમાં ઉર્ષના જલ્સા યોજવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં પણ પોરબંદર, વેરાવળ, બેડી, ઉપલેટા, ધોરાજી, જામનગર, ધ્રોલ સહિતના અનેક ગામોમાં આયોજન કરાયું છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શિરમોર સમો ઉર્ષ નૂરીનો ભવ્ય જલ્સો જુનાગઢમાં યોજાયો છે.

જુનાગઢમાં ખલીફ-એ-હુઝુર મુફતી-એ-આઝ'મ હિન્દ હઝરત મૌલાના નુરમુહંમદ સાહેબ મારફાની (રહે.) સ્થાપિત આ જલ્સો તેઓના સુપુત્ર પીરઝાદા ગુલઝાર અહેમદ સાહેબ નૂરીના વડપણ તળે ખાનકાહે નૂરી યાહ રઝવીયાહ દ્વારા કાલે શુક્રવારે રાત્રે ૧૦ વાગ્યે મસ્જીદે રઝા (ઉધીવાડા) ખાતે યોજાયો છે.

આ જલ્સામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પહેલીવાર પધારી રહેલા હુજુર રૈહાને મિલ્લત (રહે.)ના નવાસા હઝરત મૌલાના સૈયદ સૈફરઝા સાહેબ (બરૈલી શરીફ) અને મોરેશિયસ (આફ્રિકા)ના મશહુર ઉલેમા મૌલાનાકારી ગુફરાન રઝા કાદરી ઉપસ્થિત રહી પૂરજોશ તકરીર કરનાર છે.

વિશેષતઃ આ ઉર્ષ નૂરીના જલ્સાની વિશેષતા  એ છે કે આ જલ્સામાં રાત્રીના ૧-૩૮ વાગ્યે  કુલ શરીફ પઢવામાં આવે છે અને ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે.

જયારે ગોંડલમાં પણ રાબેતા મુજબ હાજી રઉફ તથા હાજી ફારૂક માલવાના પ્રયાસો રૂપે ગોંંડલ મેમણ જમાતખાનામાં ઉર્ષનૂરીનો જલ્સો કાલે રાત્રે યોજાયો છે.

જેમાં ગોંડલના સેયદ અબૂમીંયાબાપુના પરિવારના સૈયદ આસિફબાપુ તથા સૈયદ સાબિર બાવા તકરીરો કરશે. એ ઉપરાંત બરૈલી શરીફના ઉર્ષમાં ધૂમ મચાવનાર નાની વયના મુફતી ગુલામ બરકાતી (મુરાદાબાદ) ગુજરાતમાં પ્રથમવાર પધારી તકરીર કરશે. એ ઉપરાંત મૌલાના મુફતી મો. હસન રઝા મિસ્તાબહી હાજર રહેનાર છે.

જયારે રાજકોટમાં કાલે શુક્રવારે રાત્રે ઉર્ષ નૂરી રઝા કમીટી દ્વારા હૈદરી ચોક (દૂધ સાગર માર્ગ) ખાતે યોજાયેલ ઉર્ષનૂરીના જલ્સામાં સૈયદ અ. ખાલીદમીંયા બાપુ કાદરીની નિશ્રામાં મૌલાના ઝફરૂદદીન રઝવી તથા મૌલાના મહેબૂબ આલમ અઝહરી (રાજકોટ) તકરીરો કરશે અને ૧-૩૮ના કુલ શરીફ થશે.

આ ઉપરાંત કરબલાના શહિદે આઝમ હઝરત ઇમામ હુશેન (રદી)ની જિયારત અને એશિયા ખંડના સુન્ની મુસ્લિમોના ધાર્મિક વડા પીરોમુરહીદ મુફિતએ આઝમ હિન્દ (બરેલ્લી શરીફ) અને સૌરાષ્ટ્રના સુન્ની મુસ્લિમોના દિની રહેબર સૈયદહાજી આ. કાદરબાપુ કાદરી રઝવી (રદી)  (નેશનનલ હોટલ)નો વાર્ષિક ઉર્ષ તા. ૧ર ને ગુરૂવારે આજે રાત્રે ઇશાની નમાઝ બાદ ૧૦ વાગ્યે રામનાથપરા જુની જેઇલ પાછળ અલ્કાબા મસ્જિદ પાસે સૈયદ હાજી બરકતશાબાપુ કાદરીના પ્રમુખ સ્થાને યોજવામાં આવેલ છે.

આ નૂરાની મહેફીલમાં મુખ્ય વકતા કાજીએ ગુજરાત સૈયદ હાજી સલીમ બાપુ નાનીવાલા ઉપરાંત ખલીફાએ તાજજુશરિયા સૈયદ હાજી સિકંદરબાપુ, મૌલાના ગુલામ હુશેન અને મૌલાના મુખ્તાર અહેમદ (અલ્કાબા મસ્જિદ) ખીરાજે અકીદત પેશ કરશે.  આ પ્રસંગે દરેક મસ્જિદના ઇમામ સાહેબ સાદાતે કિરામ અને અકિદતમંદોએ હાજરી આપી. સવાબે દાર્રેન હાંસિલ કરવા એક યાદીમાં જણાવાયું છે. રાત્રે ૧.૪૦ કલાકે ફુલ શરીફ થશે. નઆતે પાક અને સલાતો સલામ હાજી નીઝામુદીનબાપુ પઢશે.

(11:53 am IST)