Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

સરધાર પાસે લોધીડામાં કોળી નવોઢા શિલ્પા સોલંકીએ ઝેર પી જિંદગી ટૂંકાવી

જસદણના ખડવાવડી ગામે માવતર ધરાવતી યુવતિના ૯ માસ પહેલા જ લગ્ન થયા'તાઃ પિતા વાલજીભાઇ કહે છે-દિકરીને કોઇ દુઃખ નહોતું: આજીડેમ પોલીસે તપાસ યથાવત રાખી

રાજકોટ તા. ૧૧: સરધારના લોધીડા ગામે કોળી નવોઢા શિલ્પા દિલીપ સોલંકી (ઉ.૨૦)એ ઝેર પી જિંદગીનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. નવ મહિના પહેલા જ પરણીને સંસાર જીવનની શરૂઆત કરનાર શિલ્પાને એવું તો શું દુઃખ પડ્યું કે આ પગલું ભરી લીધું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. તેણીને કોઇ દુઃખ-તકલીફ ન હોવાનું ખુદ પિતાએ જણાવ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ લોધીડા રહેતી શિલ્પા સોલંકીએ ગઇકાલે ઝેર પી લેતાં ગોંડલ હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને હિરેનભાઇએ જાણ કરતાં આજીડેમના એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા અને કિરીટભાઇ રામાવતે હોસ્પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર શિલ્પાનો પતિ દિલીપ મેરામભાઇ સોલંકી કારખાનામાં કામ કરે છે. તેણી ચાર બહેન અને એક ભાઇમાં ચોથી હતી. પિતા વાલજીભાઇ ગગજીભાઇ મેર જસદણના ખડવાવડી ગામે રહે છે. નવ મહિના પહેલા જ શિલ્પાના લગ્ન થયા હતાં. બનાવની જાણ થતાં પિતા વાલજીભાઇ તથા બીજા માવતર પક્ષના લોકો પણ રાજકોટ દોડી આવ્યા હતાં. પોલીસે તેમના નિવેદન નોંધ્યા હતાં. ખુદ પિતા વાલજીભાઇએ દિકરીને કોઇપણ પ્રકારનું દુઃખ કે બીજી તકલીફ નહિ હોવાનું કહ્યું હતું.

સસરા બકાલુ વેંચીને બપોર બાદ ઘરે આવ્યા બાદ શિલ્પાએ તેમને જમવાનું આપ્યું હતું. ત્યારે પણ તે ખુશ હતી. એ પછી અચાનક રૂમમાં જઇ ઝેર પી લીધું હતું અને ઉલ્ટીઓ કરવા માંડી હતી. તેણીને ગોંડલ અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. બનાવને પગલે કોળી પરિવારોજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

(1:21 pm IST)