Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

ગિરનાર ઉપર ધોધમાર વરસાદઃ હસનાપુર ડેમ ઓવરફલોઃ સર્વત્ર અડધાથી ૩ ઇંચ વરસાદ

જુનાગઢ તા. ૧૧ :.. જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી મેઘરાજાએ પડાવ કર્યો હોય જનજીવન ખુબ જ પ્રભાવિત થયુ છે. વિસાવદર, જુનાગઢ, સહિતનાં વિસ્તારોમાં સતત વરસાદથી પાણી પાણી થઇ ગયુ છે.

છેલ્લા ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં કુલ ૪૮૪ મી. મી. એટલે ૧૯ ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ ૧૯પ મી. મી. (આઠ ઇંચ) વરસાદ વિસાવદર તાલુકામાં પડયો હતો. જે સાથે વિસાવદરોના કુલ વરસાદ વધીને ૧૪પ૦ મી. મી. થયો છે.

જયારે કેશોદમાં ૭ મી. મી. (૮૮૦ મી.મી.), જુનાગઢ (૧૧૧પ મી.મી.), માંગરોળ ૬૦ (૭૩૪), માણાવદર -૩, (૭૮૮), માળીયા હાટીના-૮ (૧૦૦૪) અને વંથલી તાલુકામાં સવાર સુધીમાં પ૬ (૧૧૩૧ મી.મી.) વરસાદ નોંધાયો હતો.

સોરઠમાં વહેલી સવારથી મેઘાનાં મંડાણ થયા છે. સવારે માણાવદરમાં દોઢ કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ વરસતા પાણી, પાણી થઇ ગયુ હતું.

સવારના ૭.૩૦ વાગ્યાથી મેઘસવારી શરૂ થતા માણાવદરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હોવાનાં સમાચાર છે.

સવારે ૧૦ વાગ્યાથી માણાવદરમાં વરસાદ જોર ઓછુ થયુ હતું. અને તેમાંય સવારે ૮ થી ૯ દરમ્યાન માણાવદરમાં બારે મેઘ ખાંગા થયા હતાં. જેના કારણે હેરાન - પરેશાન થઇ ગયા છે.

વિસાવદર પંથકમાં સવાર સુધીમાં ૮ ઇંચ વરસાદ વરસાવ્યા બાદ આજે પણ મેઘો  થાકયા વગર વરસી રહ્યો છે.

સવારે ૮ થી ૧૦ માં વિસાવદર ખાતે વધુ ૩ર મી. મી. પાણી પડયાનું નોંધાયું હતું.

વિસાવદર નજીકનાં જંગલ વિસ્તારમાં પણ અનરાધાર વરસાદ હોવાના સમાચાર છે. જુનાગઢમાં આખી રાત ધીમી ધારે મેઘ કૃપા ચાલુ રહી હતી. પરંતુ સવારનાં ૭ વાગ્યાથી વરસાદનું જોર વધતા ૧૦ વાગ્યા સુધીમાં વધુ ૩૭ મી. મી. વરસાદ નોંધાયો હતો. આ લખાય છે. ત્યારે પણ અવિતરણ વરસાદ ચાલુ છે.

ગિરનાર અને દાતાર ઉપર પણ અનરાધાર વરસાદને લઇને હસ્નાપુર ડેમ ઓવરફલો થવામાં છે. જયારે વિલીગ્ડન ડેમ, આણંદપુર ડેમ અને નરસિંહ મહેતા તળાવ ફરી છલોછલ થયેલ છે.

સવારે કેશોદમાં વધુ ૩૯ મી. મી., ભેસાણમાં ૧૧ મી.મી., માંગરોળમાં પ૦ મી. મી., માળીયામાં ૧૮ મી. મી., અને વંથલીમાં ર૦ મી. મી. વરસાદ નોંધાયો છે.

જયારે મેંદરડા તાલુકામાં આજે સવારથી નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી.

આજના વરસાદથી સોરઠનાં મોટા ભાગનાં નદી-નાળા અને જળાશયોમાં પાણીનો વધારો થયો છે.

(1:21 pm IST)