Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભુપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગરમાં : રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી

૨૨મા સાંસ્કૃતિક વન - વટેશ્વર વનનંુ લોકાર્પણ : સુરેન્દ્રનગર નગરપાલિકાના રૃ. ૯૯૯.૭૭ લાખના રિવરફ્રન્ટ એકસ્ટેન્શનના કામનું ખાતમુહૂર્ત : ભગવાન વડવાળા દેવના દર્શન કરી 'તિરંગા યાત્રા'ને પ્રસ્થાન : કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા અને રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૧૨ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ૭૩મા રાજ્યકક્ષાના વન મહોત્સવની ઉજવણી આજે સુરેન્દ્રનગર ખાતે થઈ હતી. આ અવસરે મુખ્યમંત્રીશ્રી દુધરેજ કેનાલ સાઈટ પર રાજ્યના ૨૨મા અને સુરેન્દ્રનગર જિલ્લાના દ્વિતીય સાંસ્કૃતિક વન - વટેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રીશ્રી શહેરી વિકાસ યોજના યુડીપી-૮૮ અને આગવી ઓળખ યોજના અન્વયે અંદાજિત રૃપિયા ૯૯૯.૭૭ લાખના આર્ટસ કોલેજ સામેથી બસ સ્ટેન્ડ તરફ રિવરફ્રન્ટના કામનું ઈ-ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ  કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દુધરેજ ખાતે બપોરે ૧.૩૦ કલાકે ભગવાન વડવાળા દેવના દર્શન કરી  'તિરંગા યાત્રા'ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ હતું.

આ પ્રસંગે કેન્દ્રીય આયુષ અને મહિલા બાળ વિકાસ વિભાગના રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા તથા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસરૃપે વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વર્ષ ૨૦૦૪થી વન મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક વનોની સ્થાપનાની શરૃઆત કરવામાં આવી હતી. છેલ્લા ૧૮ વર્ષમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે ૨૨મા સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ ૭૩મા વન મહોત્સવ અંતર્ગત સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાઓનું વિતરણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય વન વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૭૩મા વન મહોત્સવ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી.(

(12:11 pm IST)