Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કચ્છના દેવપર ગામે વાડીના હોજમાં ડૂબી જવાથી મામા ભાણેજનું મોત: પરિવારજનોની નજર સામે જ ડૂબી રહેલા ભાણેજને બચાવવા જતા મામાનું પણ મોત

(ભુજ) સાતમ આઠમના તહેવારો વચ્ચે શ્રમિક પરિવારમાં બનેલા બે મોતના બનાવને પગલે અરેરાટી સર્જાઈ છે. કચ્છના માંડવી તાલુકાના દેવપર (ગઢશીશા) ગામે ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારને ત્યાં આ કમનસીબ બનાવ બન્યો હતો. 

મામા જયાં કામ કરતા હતા ને ત્યાં ફરવા આવેલા ભાણેજ સાથે મામાનું પણ મોત નીપજ્યું હતું. ૬ વર્ષનો સુખિત લાલા તડવી રમતા રમતા વાડીના પાણીના હોજમાં લપસીને ડૂબવા લાગ્યો હતો. જે જોઈને તેના મામા સંજય શિવા તડવીએ (ઉ.૩૬) હોજમાં ઝંપલાવ્યું હતું. જોકે, મામાને પણ તરતા આવડતું ન હોઈ તે પણ ડૂબવા લાગ્યા હતા. 

અંતે મામા ભાણેજ બન્ને હોજના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારજનોની નજર સામે જ બનેલા આ બનાવને પગલે બુમરાણ મચી ગઇ હતી. ગઢશીશા પોલીસ ઘટના સ્થળે તરત જ ધસી આવી હતી. પણ, કમનસીબે મામા ભાણેજ બન્નેનું અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું.

(10:31 am IST)