Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કચ્છમાં કોરોના બન્યો કાળ : વધુ બે મોત સાથે મૃત્યુ આંક ૩૯ : નવા ૨૩ કેસ, કુલ 786 : ધારાસભ્ય ક્વોરેન્ટાઈન

કઈ માહિતી સાચી? રાજ્ય સરકારના કોવિડ ૧૯ ડેશબોર્ડની કે પછી કચ્છના તંત્રની? કચ્છમાં દર્દીઓ, મૃત્યુના સમાચાર સહિતના આકડાઓમાં કરાતી લુકાછુપીથી લોકોમાં શંકા-કુશંકા : નેતાઓ અને સરકારના મૌન સામે સવાલો

ભુજ: કોરોના કાળમાં એક બાજુ ગુજરાત સરકાર પોતાની વાહવાહી કરી પીઠ થાબડે છે, બીજી બાજુ કચ્છ જેવા છેવાડાના જિલ્લામાં આંકડાઓ અને માહિતી સંદર્ભે ખેલાતા ખેલને કારણે લોકોમાં સરકારની જાહેરાતો સામે સવાલો થઈ રહ્યા છે. 

  ગુજરાતમાં ભાજપ સરકાર તરફ લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વચ્ચે તંત્ર દ્વારા વાસ્તવિકતાનું કરાતાં અલગ ચિત્રણને કારણે વિશ્વસનિયતા સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાંથી કોરોનાની બીક સાચી માહિતી મારફતે કાઢવાને બદલે રજૂ કરાતી અસંદિગ્ધ માહિતીને કારણે ફફડાટ વધ્યો છે. 

 દરમ્યાન ગઈકાલે કોરોનાએ કચ્છમાં વધુ બે માનવ જિંદગીનો ભોગ લેતાં ધીરે ધીરે વધતો જતો મૃત્યુ આંક ૩૯ જેટલો ચિંતાજનક થઈ ગયો છે. માંડવીના દરસડી ગામના ૬૪ વર્ષીય ઝવેરચંદ રંગાણી અને ગાંધીધામના કંડલા પોર્ટની કર્મચારી વસાહતમાં રહેતા ૫૨ વર્ષીય લક્ષ્મીબેન ત્રિમૂર્તિ શેટ્ટીએ ભુજની કોવિડ હોસ્પિટલમાં ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. દરમ્યાન ૨૩ નવા કેસ પૈકી અંજારના અને ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ ડો. કીર્તિકુમાર સંજોટ (ઉ.૫૨)ને કોરોના પોઝિટિવ ડિટેકટ થયો હતો. ડો. કીર્તિકુમાર સંબંધમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીના બનેવી થતાં હોઈ તેમના સંપર્કમાં આવવાના કારણે ધારાસભ્ય માલતીબેન સેલ્ફ ક્વોરેન્ટાઈન થયા છે.

   જોકે, આદિપુર, ગાંધીધામ  ૯ કેસ અને ભુજ ૪ કેસ સાથે હોટસ્પોટમાં રહ્યા છે. તે સિવાય અંજારમાં ૨, ભચાઉ ૧, રાપર ૧, અબડાસા ૨ અને મુન્દ્રામાં ૪ કેસ નોંધાયા છે. અત્યારે ૨૪૭ એક્ટિવ કેસ છે. સાજા થયેલાઓની સંખ્યા ૫૦૧ થઈ છે. કુલ ૭૮૬ કેસ નોંધાયા છે, જે પૈકી ૩૯ ના મોત નિપજ્યા છે.

કોરોનાનું સંક્રમણ વધ્યા પછી કચ્છમાં દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી આપવાનું બંધ કરાયું છે. મોતની વિગતો અને કેસ સંબધિત માહિતી મોડી અપાય છે. તો,  મૃત્યુ આંક અને દર્દીઓની સંખ્યા બાબતે રાજ્ય સરકારના ડેશબોર્ડ કોવિડ ૧૯ માં મુકાયેલ માહિતી અને કચ્છમાં જાહેર કરાયેલ માહિતીમા ફેરફાર હોઈ કઈ માહિતી સાચી એ પ્રશ્ન સાથે સંવેદનશીલ રાજ્ય સરકારની પ્રતિષ્ઠા સામે લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે.

(10:09 am IST)