Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

લાઉડ સ્પીકરના ઉપયોગથી કોરોનાનું સંક્રમણ વધે છે

ભુજના મામલતદારનો અજીબ તર્ક : મંદિર તરફથી સવારના ૮-૧ વાગ્યા સુધી તથા રાત્રે ૮-૧૦ સુધી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મંગાઈ

ભુજ, તા.૧૧ : દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસ ખાસ કરીને ડ્રોપલેટ્સ દ્વારા ફેલાય છે. એટલે કે એક વ્યક્તિએ માસ્ક પહેર્યું હોય અને તે ખાસી કે છીંક ખાય ત્યારે તેના ડ્રોપલેટ્સ અન્ય વ્યક્તિના મોઢા કે નાક વડે તેના શરીરમા પ્રવેશ કરે છે. માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું છે. જોકે, ભુજના સરકારી તંત્રએ કોરોના ફેલાવા પાછળ હાસ્યાસ્પદ તર્ક આપ્યો છે. ભુજના મામલતદારે લાઉડ સ્પીકરના ઉપયોગ કરવાની એક અરજી એવું કહીને ઠુકરાવી દીધી હતી કે, લાઉડ સ્પીકરમાંથી વિષાણુ નીકળે છે. આથી તેનાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. માટે તેના ઉપયોગની છૂટ આપી શકાય નહીં. હકીકતમાં શ્રાવણ મહિનામાં પૂજા-અર્ચના માટે ભુજ તંત્ર પાસેથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માંગવામાં આવી હતી. અંગે ભુજના ઉમેદનગર રોડ ખાતે આવેલા શ્રી દિૃધામેશ્વર મહાદેવ મંદિર વતી હરેશગર માયાગર ગુંસાઈ તરફથી લાઉડ સ્પીકરના ઉપયોગની મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી.

અરજી તંત્રએ રદ કરી નાખી હતી. જે બાબતે જણાવવાનું કે, સરકારની વખતો-વખતની સૂચનાઓ તેમજ જાહેરનામાઓ અન્વયે હાલે કોરોનાના કેસો ખાસ કરીને ભુજ શહેરમાં ખૂબ મોટા પ્રમાણમાં વધી રહેલ હોઇ, મહામારીનું સંકમણ વધુ ફેલાતું અટકે તે હેતુથી તથા માઈક વગાડવાથી અવાજની સાથે વિષાણુ નીકળવાને કારણે સંકમણની સંખ્યા વધે છે. સબબ,આપની લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી મળવાની અરજી સ્વીકારી શકાય તેમ નથી.

(9:08 am IST)