Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ખંભાળીયા નજીક હાઇવે ઉપર વૃક્ષો ધરાશાયી : સાની ડેમમાં ૯ ફૂટ નવા નીર

ભારે પવનમાં વિજ વાયરો તૂટી પડતા સર્જાયા વિજ ધાંધીયા

ખંભાળીયા, તા. ૧રઃ શનિવારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા ખંભાળીયા પોરબંદર રોડ પર વિંઝલપુરથી આગળ એક મોટુ વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું તથા ટ્રાફીકમાં અવરોધ ઉભો થયો હતો તો ખંભાળીયા-ભાણવડ રોડ પર રૂપામોટા ગામ પાસે પણ મોટુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિકને અડચણ ઉભી થઇ હતી.

ખંભાળીયા પી.ડબલ્યુ.ડી.ના ઇજનેરશ્રી કણઝારીયા તથા ગિરધરભાઇ પરમારે જેસીબી તથા સ્ટાફ સાથે બન્ને ઘટના સ્થળે તુરત દોડી જઇને વૃક્ષોને રસ્તા પરથી હટાવવા કામગીરી કરી હતી.

સાની ડેમ ર૬ ફૂટની ઉંચાઇનો છે જેની છેલ છેક બે કિ.મી. સુધી ફેલાઇ છે. સરકારે મંજુરી આપતા ડેમના કા.ઇ.શ્રી બી.કે. વાલગોતર , ના.કા.ઇ. બી.ટી. ડઢાણિયા તથા જુ.ઇ. વિપુલ રામભાઇ નકુમ દ્વારા દરવાજા એક મીટર બંધ કરાતા હાલ ડેમમાં ઉપરવાસ આવકથી નવ ફુટ પાણી પણ ભરાઇ ગયું છે અને હજુ ઉપર આવક ચાલુ હોય ડેમના બે દરવાજા અડધો અડધો ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે જેથી પાણીનું લેવલ વધે નહીં.

ડેમમાં નવ ફુટ પાણી રહેતા ર૦ જેટલા ગામોને શિયાળુ પાકમાં અને હાલ વરસાદની ઘટ થાય તો મોટો ફાયદો થશે.

છેલ્લા ર૪ કલાકમાં ખંભાળીયા કલ્યાણપુરમાં વરસાદ નથી પડયો બન્ને તાલુકાની સ્થિતિ ખંભાળીયા ૪૬પ મીલી, કલ્યાણપુર ૩૭૩ મીલી છે જયારે દ્વારકામાં રર મીલી વરસાદ સાથે કુલ વરસાદ ૩૧૬ થયો છે. જયારે ભાણવડમાં ૧૩ મીલી સાથે રપ૬ થયો છે.

ખંભાળીયાના હવામાન -અભ્યાસી કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે સિસ્ટમ દેવભૂમિ જિલ્લાથી આવતા શુક્ર શનિ વરસાદ થયેલ પછી તે સીસ્ટમ પાકિસ્તાન તરફ વહી જતા વધુ વરસાદ થયો નથી. હવે ઝાપટા અને અડધો પોણો ઇંચ સાથેનું વાતાવરણ રહેવા સંભાવના છે.

શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બે દિવસથી ભારે પવનના કારણે ઠેરઠેર અનેક જગ્યાએ વીજ વાયરો તૂટતા વાયર પર વૃક્ષો પડતા ડાળીઓ પડતા ફોલ્ટ થતાં ઢગલાબંધ વીજ કનેકશનો બંધ રહેતા અનેક સ્થળે વીજળી ગૂલની સ્થિતિ સર્જાતા લોકો ખૂબજ  પરેશાન થઇ ગયા હતાં.

ખંભાળીયા વીજ સબ સ્ટેશન સીટીમાં ખંભાળીયા શહેર ઉપરાંત આસપાસના ચાર ગામો જે વાડીવિસ્તાર કહે છે તે આવતા ૩પ૦૦૦ ઉપરાંત વીજ જોડાણો સામે ૧ર કર્મચારી તેમાં કોણ ફોલ્ટ રીપેરીંગ કરે કોણ કનેશન ચાલુ કરે કોણ ફરીયાદ લે !!

(1:36 pm IST)