Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વિસાવદર, વંથલી, બાંટવા, માળીયામાં જૂગાર દરોડાઃ ૩ર જૂગારી શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ. પ.૯૧ લાખનો મુદામાલ જપ્ત

જૂનાગઢ તા. ૧ર :.. વિસાવદર, વંથલી, બાંટવા અને માળીયા હાટીના વિસ્તારમાં પોલીસે જૂગાર અંગે દરોડા પાડીને ૩ર જૂગારીઓને રોકડ સહિત રૂ. પ.૯૧ લાખનાં મુદામાલ સાથે જૂગાર રમતા ઝડપી લેતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ છે.

જેમાં વિસાવદર ખાતે ભગવતી કોમ્પલેક્ષ પાસે જાહેરમાં ચાલતા જૂગાર અડા પર પોલીસ જમાદાર જે. પી. મેતાએ દરોડો પાડીને ૧૧ શખ્સોને રૂ. ૧૬,૮૦૦ સાથે જૂગાર રમતા પકડી પાડયા હતાં.

વંથલીનાં ભાટીયા ગામે પોલીસમેન નરેશભાઇ રાજાભાઇ વગેરેએ રેડી પાડીને ૬ શખ્સોની રૂ. ૧૦,૧૭૦ સાથે જૂગાર રમવા સબબ ધરપકડ કરી હતી.

બાંટવાનાં પીએસઆઇ એ. કે. પરમારે કોડવાવ ગામે જૂગાર રમતા પાંચ જણાને રૂ. ૭૩,૮૩૦ સાથે ઝડપી લઇ તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

માળીયા હાટીનાના પીએસઆઇ એન. કે. વિંઝૂડાએ અવાણીયા ગામમાંથી પાંચ જણાને રૂ. ૪,પ૪,૭૦૦ ના મુદામલ સાથે અને અમરાપુર ગામેથી પણ પાંચ શખ્સને રૂ. ૩પ,૩૦૭ સાથે જૂગાર ખેલતા પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (પ-૧૪)

 

(1:34 pm IST)