Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સ્વચ્છતા કયાંક મહિલાઓના લોહીમાં હોયઃ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સૌની

મોરબીમાં કલેકટર આર.જે.માકડીયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા જાગૃતિ દિવસ

મોરબી, તા. ૧૨ : મહિલાઓને તો સ્વચ્છતાના પાઠ ન ભણાવવાના હોય સ્વચ્છતા તો તેમના લોહીમાં છે અને સ્વચ્છતા તેમનામાં રહેલોમહત્વનો ગુણ છે. જેમ દ્યરને સ્વચ્છ રાખીએ છીએ તેમ આપણા આંગણા, શેરી અને શહેરને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી આપણા સૌ કોઇની છે. સ્વચ્છતાની કામગીરી ફકત સફાઇ કામગીરી કરતાં કર્મચારીની જ નહીં આપણા સૌ કોઇની નૈતિક જવાબદારી છે તેમ મહિલા પખવાડીયાના આઠમા દિને મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મહિલાઓને સંબોધન કરતાં મોરબી કલેકટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું.

મોરબી ટાઉનહોલ ખાતે ગુરુવારે મોરબી નગરપાલિકા દ્વારા આયોજિત મહિલા સ્વચ્છતા જાગૃતિ દિનની ઉજવણી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત સખીમંડળ તેમજ સફાઇ કર્મચારી બહેનોને સંબોધન કરતાં મોરબી કલેકટર આર.જે. માકડીયાએ જણાવ્યું હતું કે રાજય સરકાર સ્વચ્છતા બાબતે ગંભીરતાથી અનેક પ્રકારના આયોજન કરીને આ વિષયને સામાન્ય લોકો સુધી પહોંચાડવાના પ્રયાસો કરે છે ત્યારે સૌ કોઇએ સ્વચ્છતાને પોતાની નૈતિક ફરજ સમજવાની જરૂર છે. સ્વચ્છતાથી અનેક પ્રકારના ફાયદાઓ છે, સ્વચ્છતાથી આપણી આવતી પેઢી પણ નિરોગી થશે. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સ્વચ્છતાનો વિષય સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે પણ કલેકટર આર.જે. માકડીયાએ અનુરોધ પણ કર્યો હતો.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહીલે કચરો ગમે ત્યાં ન ફેંકતા ડોર ટુ ડોર કલેકશન ગાડીમાં જ નાંખવા અનુરોધકર્યો હતો. બિમારીનું કારણ પણ ગંદકી છે તેથી સ્વચ્છતા હશે તો માંદગી પણ નહીં આવે તેવો સુર વ્યકત કર્યો હતો.

સખી વન સ્ટોપના પ્રવિણાબહેનએ તેમના પ્રાસંગીક ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, સ્વચ્છતા ક્ષેત્રે મહિલાઓનું ખૂબ મોટુ યોગદાન છે. સૌ કોઇને આ વિષયને ગંભીરતાથી વિચાર કરી અમલમાં મુકવા પર ભાર મુકયો હતો. આ સાથે તેમણે સખી વન સ્ટોપ અંગેની વિસ્તૃત માહિતી આપી મહિલાઓને સેન્ટરની મુલાકાત લેવા જણાવવ્યું હતું.  મોરબી શીશુમંદિરના પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયાએ તેમના પ્રેરક પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજી પણ સ્વચ્છતાના આગ્રહી હતા. તેમણે પણ જીવનમાં સ્વચ્છતા માટે અનેક કાર્યો કર્યા હતા. આ સાથે જ તેમણે ઉપસ્થિત મહિલાઓને પોતાના બાળકોને નાનપણથી જ સ્વચ્છતાના ગુણ વિકસાવવા અને તે અંગેનું મહત્વ સમજાવવા જણાવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મંચસ્થ અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.આર. રાડીયાએ શાબ્દીક સ્વાગત કર્યું હતું. મોરબી તાલુકા વિકાસ અધિકારી પી.એ. ગોહીલે આભારવિધી કરી હતી. આ કાર્યક્રમનાં મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, સફાઈ કર્મચારી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલીકાના કર્મચારીઓએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(1:29 pm IST)