Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

લોધીકા સરકારી કચેરીઓમાં અપૂરતા સ્ટાફથી પ્રજા પરેશાન : ઘટતુ મહેકમ તુરત ફાળવવા માંગ

 લોધીકા, તા. ૧ર : લોધીકામાં આવેલ મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં અપૂરતા સ્ટાફથી લોકોની કામગીરી સમયસર ન થવાની વ્યાપક ફરીયાદ ઉઠવા પામી છે.

આ અંગે પીપરડીના પૂર્વ સરપંચ સાવજુભા જાડેજા, ગોબરભાઇ રાક, (અભેપર), લાલજીભાઇ ભુત વિગેરેએ રજુઆતમાં જણાવ્યા મુજબ અહીંની મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં ઘણા સમયથી સ્ટાફની તંગી છે. અધુરામાં પુરૂ રોજમદાર કર્મચારીઓથી ગાડુ ગબડાવવામાં આવે છે. આવા સંજોગોમાં પોતાના કામો સબબ દૂર દૂરથી ગામોએથી આવતા લોકોને સામાન્ય પ્રશ્ને ધરમધક્કા ખવડાવામાં આવતા હોવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવેલ છે, પરંતુ કોઇ કામગીરી થયેલ નથી. તાલુકા કક્ષાની આ કચેરીઓમાં દૂર દૂરના ગામોથી લોકો રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રી પડાવવા, રેશનકાર્ડની કામગીરી, ખાતેદાર ખેડુતોના પ્રમાણપત્રો મેળવવા, જાતિના દાખલા કઢાવવા સહીત અનેક કામગીરી સબબ કચેરીએ આવતા હોય છે, પરંતુ પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાથી લોકોના સમયસર કામો થતા નથી ત્યારે આ અંગે તુરત યોગ્ય થાય તેવી લોકોની માંગણી છે.

(12:13 pm IST)