Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ભાણવડ- ગાંધીનગર- અંબાજી બસ શરૂ કરવાની માંગ સાથે સત્યાગ્રહના મંડાણ કરતા ભાણવડવાસીઓ

ભાણવડ તા.૧રઃ એસ.ટી. નિગમ દ્વારા બે દાયકાથી ચાલતી ભાણવડ-ગાંધીનગર-અંબાજી બસ બે મહિના પહેલા બંધ કરી દેવામાં આવી છે જેનેપુનઃ શરૂ કરવા માટે આગેવાનો, શહેરીજનોની રજુઆતો કરવા છતાં કોઇ પ્રતિભાવ ન મળતા આખરે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી છે.

ભાણવડ તાલુકાન એસ.ટી. વિભાગ દ્વારા એક પછી એક રૂટો બંધ કરીને લાંબા સમયથી કરવામાં આવી રહેલા અન્યાય સામે હવે શહેરીજનોએ બાંયો ચડાવી છે. ભાણવડ-ગાંધીનગર બસ કે જે પહેલા અંબાજી  સુધી ચાલતી હતી તેનો રૂટ ટુંકાવીને ગાંધીનગર કર્યા બાદ છેલ્લા બે માસથી બંધ કરી દેવામાં આવી છે. 

જેને પુનઃ શરૂ કરવા માટે અનેક હોદેદારો, આગેવાનો તેમજ સંસ્થાઓએ રજુઆતો કરવા છતાં બસ ચાલુ કરવામાં ન આવતા ગત ર૬ જુલાઇના રોજ બસ રોકો આંદોલન કરવામાં આવેલ જેમાં એસ.ટી.ના જવાબદાર અધિકારીઓએ દસ દિવસની મહેતલ આપી શહેરીજનોને આશ્વાસન આપ્યા બાદ પણ બસ પુનઃ શરૂ કરવા અંગે કોઇ નિર્ણય ન કરતા શહેરીજનો વિફર્યા હતા અને ઉપવાસ આંદોલન શરૂ કરેલ અને જયાં સુધી આ બસ પુનઃ શરૂ કરવામાં નહિ આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રાખવાનો મકકમ નિર્ધાર કરેલ છે. નિભંર એસ.ટી. તંત્ર દ્વારા જો વહેલી તકે આ બસ પુનઃ શરૂ કરવામાં નહિ આવે તો વધુ જલદ અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ તૈયારી હોવાનું ઉપવાસીઓએ એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે.

(12:13 pm IST)