Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પોરબંદર જિલ્લાના દિવ્યાંગ વ્યકિતઓને રેલ્વે કન્સેશન પાસ કરાવવા ભાવનગર નહી જવું પડે

ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્વારા સફળ રજૂઆત

પોરબંદર તા.૧૨ : જીલ્લાના દિવ્યાંગ ભાઇ બહેનોને રેલ્વેના નવા પાસ બનાવવાની કામગીરી શ્રી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલ વાઘેશ્વરી પ્લોટ દ્વારા કરવામાં આવે છે. આ રેલ્વેના પાસ બનાવવાની કામગીરી મંડલ કાર્યાલય રેલ્વે ડીવીઝન ભાવનગર દ્વારા કરવામાં આવતી હોય સંસ્થા દ્વારા આવેલ તમામ અરજીઓ નવા રેલ્વેના કન્સેશન કાર્ડ બનાવવા માટે ભાવનગર મોકલવામાં આવે છે. ત્યારબાદ ભાવનગર રેલ્વે દ્વારા કન્સેશન પાસ લેવા ભાવનગર રૂરૂ બોલાવવામાં આવતા જે પોરબંદર જીલ્લાના દિવ્યાંગ ભાઇ બહેનો માટે મુશ્કેલીભર્યુ બની જતુ હતુ. ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલ દ્વારા ભાવનગર રેલ્વે ડીવીઝનના ઉચ્ચ અધિકારીશ્રીઓને પોરબંદરના દિવ્યાંગ ભાઇ બહેનોને ભાવનગર આવવા અંગે પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી હતી.

 

રજૂઆતને ધ્યાને લઇ ભાવનગર રેલ્વે ડીવીઝનના ઉચ્ચ અધિકારીશ્રીઓએ દિવ્યાંગ ભાઇ બહેનો પ્રત્યે માનવીય અભિગમ દર્શાવી સંસ્થાની વ્યાજબી માંગણીને માન્ય રાખવામાં આવેલ છે હવે પછી કોઇપણ દિવ્યાંગ ભાઇ બહેનોએ ભાવનગર ખાતે રેલ્વે કન્સેશન પાસ લેવા જવાનુ રહેશે નહી જયારે ભાવનગરથી રેલ્વેના કર્મચારીઓ પોરબંદર રેલ્વેના પાસ આપવામાં આવશે ત્યારે સંસ્થા દ્વારા તમામ દિવ્યાંગ ભાઇ બહેનોને ટેલીફોનીક જાણ કરી તેઓને રેલ્વેના કન્સેશન પાસ આપવામાં આવશે તેમ કમલેશભાઇ દેવજીભાઇ ખોખરી સેક્રેટરી ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુલની યાદીમાં જણાવાયુ છે.

(12:10 pm IST)