Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પાકિસ્તાનની બોર્ડર પાસે હાજીપીરમાં 'ઓપરેશન એરલિફટ'માં કચ્છ પોલીસે ૩૦૦ થી વધુ લોકોને બચાવ્યા

ભુજતા.૧૨:  કચ્છ સહીત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઠેર ઠેર બચાવ-રેસ્કયુ ઓપરેશન કરાવામાં આવી રહ્યાં છે તેવામાં પશ્યિમ કચ્છ પોલીસ દ્રારા કચ્છની ઇન્ડો-પાક બોર્ડર પાસે હાજીપીર ખાતે એક રેસ્કયુ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઓપરેશન એરલિફ્ટ અંતર્ગત અહિં ફસાયેલા ત્રણસોથી વધુ લોકોને ઇન્ડિયન એરફોર્સનાં હેલિકોપ્ટર દ્રારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. NDRF બચાવ ટીમ ઉપરાંત પશ્યિમ કચ્છનાં એસપી જાતે હાજીપીર ખાતે દોડી જઇને આ ઓપરેશન હાથ ધર્યું હતુ.

છેલ્લા ચારેક દિવસથી કચ્છમાં વરસી રહેલા અનરાધાર મેદ્યાને કારણે અવસરરૂપી વરસાદ આફતમાં પલટાઈ ગયો હતો. જેને કારણે કચ્છનાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને લીધે લોકો ફસાઈ ગયા હતા. કચ્છથી પાકિસ્તાન તરફ જઇ રહેલી વરસાદની સિસ્ટમને લીધે કચ્છનાં લખપત તાલુકાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં. હાજીપીર નજીક એક કંપનીમાં કામ કરી રહેલા ૩૦૦થી વધુ કામદારો તેમના પરિવારજનો સાથે ફસાઈ ગયા છે તેવો મેસેજ મળતા જ પશ્યિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયા પણ ભુજથી હાજીપીર તેમની ટીમ સાથે પાણીમાં ફસાઈ ગયેલાં લોકોનું રેસ્કયુ કરવા માટે દોડી ગયા હતા.

NDRF ટીમ તેમજ બોટ સાથે પાકિસ્તાની બોર્ડર નજીક આવેલા હાજીપીરમાં ફસાઈ ગયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢવા માટે ગયેલા એસપી સૌરભ તોલંબિયાએ પરિસ્થિતિ નાજુક લાગતા તરત જ રાજય સરકારનો સંપર્ક કરીને ઇન્ડિયન એરફોર્સની મદદથી લોકોને એરલિફ્ટ કરવા માટે કહ્યું હતુ. કચ્છ કલેકટરને સમગ્ર સ્થિતી અંગે એસપી તોલંબિયાએ જાણ કરતા જામનગરથી ભારતીય વાયુસેનાનાં હેલિકોપ્ટર હાજીપીર ખાતે આવી ગયા હતા. બોટ દ્વારા મોકલાયા પછી જે લોકો બાકી રહયા હતા તેમને એરફોર્સના ચોપરથી ચાર વખત લિફ્ટ કર્યા બાદ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.(૯.૨)

(12:17 pm IST)