Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કચ્છમાં સતત વધતાં કોરોનાના કેસ આજે વધુ ૭ જણ સાથે છેલ્લા ૬ દિ'માં જ ૫૩ દર્દીઓ : કુલ કેસનો આંકડો 249 થયો

ફરી વરસામેડી (અંજાર) માં બે કેસ વધ્યા, તો ભુજના માનકુવા ગામમાં બે કેસ, કચ્છમાં હજીયે શંકાસ્પદ દર્દીઓ વધી રહ્યા છે

ભુજ : કચ્છમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ હોય તેમ વધ્યું છે. આજે ૭ કેસ નોંધાયા છે. પણ, ચિંતાજનક વાત એ છે કે, કેસની સંખ્યા દરરોજ સતત વધી રહી છે. ૬ઠી જુલાઈના કચ્છમાં ૧૯૬ કોરોનાના કેસ હતા, હવે કોરોના બેકાબૂ બન્યો હોય તેમ આજે ૧૨ જુલાઈ દરમ્યાન માત્ર ૬ દિવસમાં જ ૫૩ નવા કેસ  અને ૨ મોત નોંધાયા છે. આમ, છેલ્લા છ દિવસમાં જ ૫૩ નવા કેસ એટલે સરેરાશ દરરોજના ૯ કોરોનાના દર્દી કચ્છમાં સામે આવ્યા છે. આ, તો હજીયે સેમ્પલ મર્યાદિત ચેક થઈ રહ્યા છે, અત્યારે કચ્છમાં દરરોજ લેવાતાં સેમ્પલ અને પેન્ડિંગ સેમ્પલ અંગેના આંકડા આપવાનું તંત્રએ બંધ કર્યું છે. વળી, જે દર્દીઓ વિશે માહિતી અપાય છે, તે પણ મોડી અપાય છે, અપૂરતી અને અધૂરી અપાય છે.

કચ્છમાં આજે જે સાત દર્દીઓ નોંધાયા છે, તેમાં વરસામેડીમાં ફરી બે દર્દીઓ વધ્યા છે, હવે અંજારનું વરસામેડી ગામ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. તો, ભુજના માનકુવા ગામે બે અને માધાપર ગામે એક દર્દી, ભચાઉમાં અને આદિપુરમાં એક-એક દર્દી એમ ૭ દર્દીઓ નોંધાયા છે. જેમાં
એક માત્ર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી છે. બાકીનાને હ્યુમન ટ્રાન્સમિશન (સંક્રમણ) થી કોરોના થયો છે.
આંકડાકીય રીતે કચ્છમાં કોરોના દર્દીઓની વાત કરીએ તો, કુલ દર્દીઓ ૨૪૯, એક્ટિવ દર્દીઓ ૭૯, સાજા થનાર ૧૫૯  છે, જ્યારે મૃત્યુ પામનારની સંખ્યા ૧૧ છે

(9:27 pm IST)