Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જૂનાગઢમાં વધુ એક ઝટકોઃ વોર્ડ નં. ૯ના કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાં જોડાયાઃ નીતિનભાઈ ભારદ્વાજ અને ટીમને સફળતા

જૂનાગઢ, તા. ૧૨ :. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાનાર છે તે અગાઉ જ કોંગ્રેસને ઝાટકા ઉપર ઝાટકા લાગી રહ્યા છે. વોર્ડ નં. ૯ના કોંગ્રેસના ઉમેદવાર હરસુખભાઈ વસતાભાઈ ડાભી નામના કોળી ઉમેદવારે ભાજપનો ખેસ પહેરી લેતા કોંગ્રેસને વધુ એક ઝાટકો લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે આ જ વોર્ડના એક કોંગ્રેસી ઉમેદવાર પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. પ્રદેશ ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ અને તેમની ટીમના કાર્યકરો જૂનાગઢની ચૂંટણીમાં સેવા આપી રહ્યા છે.

તા. ૨૧ જુલાઈએ જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન થવાનુ છે. જેને આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય ગતિવિધિઓ વધુ સતેજ બની છે. આ દરમિયાન આજે સવારે કોંગ્રેસને વધુ એક રાજકીય ફટકો પડયો છે. વોર્ડ નં. ૯ના કોંગ્રેસના ઉમેદવાર હરસુખભાઈ વસ્તાભાઈ ડાભી આજે સવારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.

શ્રી ડાભી અને તેમના ટેકેદારોને ભાજપના પ્રદેશ આગેવાનો નીતિનભાઈ ભારદ્વાજ, ગોરધનભાઈ ઝડફીયા અને ભૂપતભાઈ ડાભી વગેરેની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા તેમ જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયના મંત્રી ભરતભાઈ કારેણાએ 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

(3:30 pm IST)