Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જૂનાગઢ મનપા ચુંટણીમાં વોર્ડનં.૧૩ના ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ : 'વોર્ડમાં પ્રવેશવુ નહિ 'ના બેનરો લાગતા રાજકીય હલચલ

જૂનાગઢ તા. ૧૨: જૂનાગઢ મનપા ચુંટણીમાં વોર્ડનં.૧૩ના ભાજપના ઉમેદવારો સામે વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો હોવાનુ જાણવા મળેલ છે.

જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી તા. ૨૧ જુલાઇએ યોજાનાર છે. અને હાલ ૧૬૫ ઉમેદવારો ચુંટણી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ભાજપ દ્વારા મનપામાં ફરી શાસન મેળવવા માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. અને આ ચુંટણી જંગના પ્રચાર માટે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા,  પુરૂષોતમભાઇ રૂપાલા તેમજ રાજ્યના કેબીનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડા , આરસી ફળદુ , જયેશભાઇ રાદડીયા સહિતના પ્રધાનોને ચુંટણી પ્રચારમાં ઉતારવાનુ નક્કી કર્યુ છે. અને આ તમામ પ્રધાનો શનિ, રવિવારના રોજ જૂનાગઢમાં પડાવ કરીને ભાજપના ઉમેદવારોની તરફેણમાં ચુંટણી પ્રચાર કરશે.

દરમ્યાન શહેરના વોર્ડ નં.૧૩ના ભાજપના ઉમેદવારોમાં ભાનુબેન ગોરધનભાઇ ટાંક, શારદાબેન પ્રમોદભાઇ પુરોહીત , વાલાભાઇ કચરાભાઇ આમછેડા અને ધમિણભાઇ ડાંગર સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે.  વોર્ડ નં.૧૩ના મતદારોએ વિકાસ કામો થયા ન હોવાનુ જણાવીને વોર્ડમાં પ્રવેશવુ  નહી એવા બેનરો લગાવીને ભાજપના ઉમેદવારો સામે વિરોધ નોંધાવ્યો હોવાનુ જાણવા મળેલ છે.

વોર્ડનં.૧૩માં ભાજપના ઉમેદવારો સામેના વિરોધથી રાજકીય હલચલ મચી ગઇ છે. જો કે, પાર્ટીએ વિરોધ ખાળવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા હોવાનુ પણ જાણવા મળે છે.

(1:15 pm IST)