Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

મોરબી-માળિયાની ૩ બ્રાંચ કેનાલમાંથી પાણી છોડવાની સરકારની ખાતરી 'તણાઈ' ગઈ !

ધારાસભામાં પ્રશ્ન ઉઠાવતા બ્રિજેશ મેરજાઃ સબમાઈનોર કેનાલના કામ પણ અધૂરા

ગાંધીનગર, તા. ૧૨ :. મોરબીના કોંગ્રેસના જાગૃત ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજાએ આજે મોરબી-માળિયા પંથકના ખેડૂતોના પ્રશ્નોને વિધાનસભામાં વાચા આપી હતી. ૩ બ્રાંચ કેનાલોમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની સરકારની જાહેરાત પર પાણી ફરી વળ્યાની ટકોર તેમણે કરી હતી.

શ્રી બ્રિજેશ મેરજાએ જણાવેલ કે, મોરબી-માળિયા પંથકમાં વરસાદ ખેંચાતા ખેતીની સ્થિતિ વિકટ બનતી જાય છે. આ પંથકની ત્રણ બ્રાંચ કેનાલોનું પાણી ખેતી માટે જીવાદોરી બની શકે તેમ છે. મારી રજૂઆતના પગલે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ૩ બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોના લાભાર્થે અષાઢી બીજથી પાણી છોડવાની જાહેરાત કરી હતી. બીજ જતી રહી તેને અઠવાડીયુ વિતી ગયુ છતા સરકારે પાણી છોડયુ નથી. માળીયા તાલુકાના ઘાટીલા, ખીરઈ, ખાખરેચી, માણાબા, સુલતાનપુર વગેરે ગામોમાં વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ છે. સરકારે આપેલ ખાતરી મુજબ તાત્કાલીક પાણી છોડવુ જોઈએ. માઈનોર અને સબમાઈનોર કેનાલના કામ પણ અધુરા છે. મોરબી-માળિયાના ગામોને નવી સિંચાઈ યોજનાનો લાભ (બાવન ગામો માટે) આપવો જરૂરી છે.

ધારાસભ્યની જોરદાર રજુઆતના પગલે નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા આપી હતી.

ઉપરાંત શ્રી મેરજાએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે જવાબ આપેલ કે મોરબી તાલુકામાં ખેતી વિષયક વિજજોડાણની ૧૦૪૯ અને માળિયા તાલુકામાં ૩૦૧ અરજીઓ પડતર છે.

(11:47 am IST)