Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

પોરબંદર સિવિલ હોસ્પિટલમાં જર્મન ટેકનોલોજીનાં અતિફેસીનેસ મેડીકલ કેર મશીનોથી વિનામુલ્યે ડાયાલીસીસ સારવાર

પોરબંદર તા.૧૨ :  પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરની શરૂઆત વર્ષ ૨૦૧૬થી કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૬થી આ હોસ્પિટલમાં નિયમિત દર્દીઓ નિશૂલ્ક ડાયાલીસીસની સારવાર મેળવે છે. અહિં જર્મન ટેકનોલોજીનાં અતિ-આધુનિક ૮ ફેસીનેસ મેડીકલ કેર મશીનો દર્દિઓની સેવા માટે કાર્યરત છે.

ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રીસર્ચ સેન્ટર અમદાવાદ તથા ગુજરાત સરકારના સહયોગથી પોરબંદર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ નાં દર્દીઓ નિશૂલ્ક સારવાર આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૮-૧૯માં સિવિલ હોસ્પિટલમાં કૂલ ૭૮ દર્દીઓને ડાયાલીસીસની સારવાર આપવામાં આવી હતી. આ તમામ દર્દીઓને દર સારવાર દરમિયાન માં યોજના હેઠળ મુસાફરી માટે રૂ.૩૦૦ મુંજબ કૂલ રૂ.૭.૩૮ લાખની સહાય ગુજરાત સરકારે ચુકવી છે.

ડાયાલીસીસ વિભાગનાં ઇન્ચાર્જ પુજાબેને મકવાણાએ જણાવ્યું કે, ડાયાલીસીસનો એક દર્દી અઠવાડીયામાં બે વાર ડાયાલીસીસ માટે આવે છે. આ ડાયાલીસીસ વિભાગ ઠંડો રહે તે માટે ચાર કુલર કાર્યરત રાખવામાં આવે છે. ડાયાલીસીસ વિભાગમાં દરરોજ ૧૪ થી ૧૫ દર્દીઓનું બ્લડ ફિલ્ટર કરવામાં આવે છે. આ બ્લડ ફિલ્ટર કરવા માટે જર્મન ટેકનોલોજીનાં અતિ-આધુનિક ફેસીનેસ મેડીકલ કેર ૮ મશીનો ફાળવવામાં આવ્યા છે. એક દર્દીનું લોહી ફિલ્ટર થતા સરેરાશ ૪ કલાકનો સમય લાગે છે. જે અમારી નિષ્ણાત ટીમની સારવાર હેઠળ હોય છે. અહીં આવતા ડાયાલીસીસના દર્દીઓને ચા.નાસ્તો આપવામાં આવે છે. તથા રાજય સરકાર દ્રારા દર્દીઓને આવવા-જવા માટે વાહનનાં ભાડા પેટે એક સારવાર દીઠ માં યોજના હેઠળ રૂ.૩૦૦ ચુકવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ડાયાલીસીસ વિભાગમાં સવારે ૭:૩૦ થી સાંજના ૬:૩૦ વાગ્યા સુધી દર્દીઓને સારવાર આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે ઉંચો ખર્ચ થતો હોય ત્યારે સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વિનામુલ્યે ડાયાલીસીસ કરી આપવામાં આવે છે.

અહિં ઓડેદરા રામભાઇ અને દેવીબેન પરમાર છેલ્લા ૩ વર્ષથી નિયમિત ડાયાલીસીસ કરાવવા માટે આવે છે. દેવી બહેને જણાવ્યું કે, સરકાર દ્રારા વિનામુલ્યે સારવાર મળે છે.અને માં યોજના હેઠળ વાહનભાડા માટે  દરેક ડાયાલીસીસનાં સમયે રૂ.૩૦૦ સરકાર આપે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં કૂલ સરકારી હોસ્પિટલમાં ૭૮ ડાયાલીસીસનાં દર્દીઓને માં યોજના હેઠળ રાજય સરકારે ૭.૩૮ લાખ વાહનભાડા પેટે આર્થિક સહાય ચુકવી છે.

(11:37 am IST)