Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

વિસાવદરમાં બે કલાકમાં બે ઈંચઃ જેસર, સાવરકુંડલા, ભેંસાણ, ધારીમાં દોઢ ઈંચઃ શાપર-વેરાવળ, ખાંભા, બગસરા, બરવાળામાં ૧ ઈંચઃ રાજકોટમાં ભારે ડોળ વચ્ચે માત્ર ૧ મી.મી.

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી સૂર્યનારાયણના દર્શન થયા નથી અને વાદળછાયું વાતાવરણ છવાયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં બે ઈંચ જ્યારે ભેંસાણમાં દોઢ અને જૂનાગઢમાં અડધો ઈંચ વરસાદ બપોરના ૨ થી ૪ દરમિયાન પડયો છે. જ્યારે મેંદરડા અને વંથલીમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારીમાં દોઢ ઈંચ જ્યારે ખાંભા અને બગસરામાં એક - એક ઈંચ વરસાદ વરસ્યો છે. અમરેલી, લીલીયા, રાજુલા, વડીયામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જાફરાબાદમાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

ભાવનગર જિલ્લાના જેસરમાં દોઢ ઈંચ, તળાજામાં અડધો ઈંચ અને મહુવામાં હળવા-ભારે ઝાપટા પડયા છે.

જામનગર જિલ્લાના કાલાવડમાં ઝાપટા વરસ્યા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં અડધો ઈંચ, ગીર ગઢડા, કોડીનાર અને ઉનામાં હળવા ભારે ઝાપટા વરસ્યા છે.

બોટાદમાં અડધો ઈંચ અને બરવાળામાં એક ઈંચ વરસાદ વરસ્યો છે.

રાજકોટમાં આજે બપોરથી કાળાડીબાંગ વાદળા સાથે મેઘાવી માહોલ જામ્યો છે પરંતુ મેઘરાજા મહેરબાન થતા નથી માત્ર હળવા છાંટા વરસી રહ્યા છે. કંટ્રોલ રૃમમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે શાપર-વેરાવળમાં ૧ ઈંચ વરસાદ પડયો છે.(૨-૩૨)

(4:52 pm IST)