Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

પોરબંદરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા

એમ.જી. રોડ થઇને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થશે : ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમો

પોરબંદર, તા. ૧ર : અષાઢી બીજે શનિવારે તા.૧૪ના રોજ સુદામા ચોક ભગવાન જગન્નાથજી મંદિરેથી બપોરે ૩ વાગ્યે પરંપરાગત રથયાત્રા નીકળીને એમ.જી. રોડ થઇ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષો પહેલા પરંપરાગત રૂટ જૂના પોરબંદર માણેક ચોક પાલાવાળા ચોક, ભાટીયા બજાર, પાલાવાળા ચોક નરસંગ ચકલો, ઝવેરી બજાર થઇને લાબાણી ફળીયુ થઇ ભાટીયા બજારમાં ગોવિનાથજી હવેલીએ રથનું પૂજન કરવામાં આવતું હતું. જયાં તે સમયે નિ.ગો. ૧૦૮ પૂ. ગોવિંદરાયજીના હસ્તે રથનું પૂજન અને આરતી કરતા હતાં. શહેરમાં ર દાયકા સુધી કોઇ કારણસર રથયાત્રા બંધ થયેલ હતી. ત્યારબાદ ર૦૧પમાં પુનઃ રથયાત્રા શરૂ થતા રૂટ ટુંકાવીને એમ.જી. રોડ શીતલા ચોક હનુમાન ગુફા પોલીસ ચોકી થઇને મામાકોઠા સુદામા ચોક કરવામાં આવ્યો છે જેથી ભાટીયા બજારમાં રથનું પૂજન થઇ શકયું નથી. રથયાત્રા રૂટમાં ઠેર ઠેર સ્વાગત કાર્યક્રમ યોજાશે.

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય હવેલીઓમાં રથયાત્રા દર્શન

પુષ્ટી માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની હવેલીઓમાં અષાઢી બીજે ૪ ભોગમાં રથયાત્રાના દર્શન યોજાશે. માણેક ચોક શ્રીનાથજી હવેલીમાં બપોરે ૧ર વાગ્યે રાજભોગમાં રથયાત્રા ઉત્સવ દર્શન રાખેલ છે.

ભાટીયા બજાર જગન્નાથજી મંદિરે દર્શન-પૂજન

ભાટીયા બજારમાં નવલખા બંગલા સામે જગન્નાથજી શેરીના ખૂણે પ્રાચીન જગન્નાથના મંદિરનો જીર્ણોદ્વાર બાદ અષાઢી બીજ દર્શન પૂજન રાખેલ છે.

(12:50 pm IST)