Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

શ્રી સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરતા મોહન ભાગવતજી

પ્રથમ જ્યોતિર્લીંગ દર્શન, પૂજન, અર્ચન, પ્રદક્ષિણા, અભિષેકઃ કેશુભાઈ પટેલ દ્વારા સ્વાગતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણીનો પ્રારંભ

વેરાવળ, તા. ૧ર : શ્રી સોમનાથ મહાદેવને આજે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડાશ્રી મોહન ભાગવતજીએ ધ્વજારોહણ કરીને ધન્યતા અનુભવી હતી. શ્રી મોહન ભાગવતજીએ પૂજન, અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી.

ગઇકાલે રાત્રીના શ્રી મોહન ભાગવતજીનું સોમનાથમાં આગમન થયું હતું અને રાત્રી રોકાણ કરીને વહેલી સવારે શ્રી સોમનાથ મહાદેવના દર્શને તેઓ આવી પહોંચ્યા હતા. જયાં શ્રી કેશુભાઇ પટેલ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ શ્રી મોહન ભાગવતજી અને શ્રી કેશુભાઇ પટેલે શ્રી સોમનાથ મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું અને ધ્વજારોહણ કર્યું હતું.શ્રી મોહન ભાગવતજીએ શ્રી સોમનાથ મહાદેવ મંદિરની પ્રદક્ષિણા કરી હતી. તેઓ એકાદ કલાક મંદિરમાં રહ્યા હતાં.

ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જોડાવવા માટે તેઓ રવાના થયા હતાં.

સોમનાથમાં તા. ૧રથી ૧૮ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કારોબારીની બેઠક મળી રહી છે ત્યારે ગુજરાત પ્રાંતના સ્વયંસેવકોએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મોહન ભાગવત આવવાના હોવાથી ઝેડ પ્લસ હાઇ લેવલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સોમનાથ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. વીઆઇપી ગેસ્ટ હાઉસ, અતિથિગૃહો, સોમનાથ જતા રસ્તાઓ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોમનાથમાં કારોબારી યોજાનાર હોય સંઘના પદાધિકારીઓએ પોલીસ તંત્ર સાથે મીટીંગ યોજી સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન ઘડયો હતો. રિહર્સલ પણ કર્યું હતું. આ મીટીંગમાં સંઘના મુખ્ય કાર્યકર્તા, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ વગેરે જોડાયા હતાં. કારોબારીમાં મોહન ભાગવત, કેશુભાઇ પટેલ વગેરે ઉપસ્થિત રહેશે. ર૭ વર્ષ પછી આરએસએસની રાષ્ટ્રીય કારોબારી સોમનાથમાં મળી રહી છે ત્યારે સોમનાથ અને આસપાસનો વિસ્તાર લોખંડી કિલ્લામાં ફેરવાઇ ગયો છે.

હુ બોલીશ તો મારી નોકરી જશેઃ મોહન ભાગવતજીએ પત્રકારોને જવાબ આપવાનું ટાળ્યું

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતજી આજથી સોમનાથના પ્રવાસે આવ્યા છે. શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત  રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારીણીની બેઠકમાં તેઓ જોડાયા છે.

ગઇકાલે સાંજે નવી દિલ્હીથી તેઓનું રાજકોટ ખાતે આગમન થયું હતું. જયાં મોહન ભાગવતજીને પત્રકારોએ કોઇ પ્રશ્ન પુછતા તેમણે જવાબ દેવાનું ટાળ્યું હતું અને કહયું હતું કે આ પ્રશ્નના જવાબ આપીશ તો મારી નોકરી ચાલી જશે.

આજથી સોમનાથમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકમાં ભૈયાજી જોશી સહીત રાષ્ટ્રીય સ્વયં સેવકના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે.

ત્રણ રાજયોની ચુંટણીની સાથોસાથ દેશમાં સામાજીક અને સાંસ્કૃતિક અને આધ્યાત્મીક મુદઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવનાર છે.

(3:21 pm IST)