Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કચ્છ જિલ્લામાં વિશ્વ વસતી દિવસ અંતર્ગત કુટુંબ કલ્યાણ સેવા કેમ્પો

ભૂજ, તા.૧૨: ૧૧ જુલાઈ દિવસને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષ માટે ''ઉજ્જવલ આવતી કાલની શરુઆત, કુટુંબ નિયોજનની સાથ'' સુત્ર નકકી કરવામાં આવેલ છે.

દેશમાં વધતી જતી વસ્તીના કારણે તેમજ વારંવાર સુવાવડ થવાના કારણે માતામરણ અને બાળમરણના લીધે દેશ અને કુટુંબનો સર્વાંગી વિકાસ રૂધાય છે. જે માટે દેશ અને કુટુંબના સર્વાગી વિકાસ માટે મર્યાદા કુટુંબની ભાવના કેળવાય તેમાં સરકારશ્રી ધ્વારા  પરિવાર કલ્યાણ કાર્યક્રમની વિવિધ સેવાઓ અને પ્રોત્સાહક યોજનાઓ અમલમાં છે.

કચ્છ જીલ્લામાં ૧૧ જુલાઈ વિશ્વ વસતી પખવાડીયાની ઉજવણીના ભાગરુપે ૧૧ જુલાઈ થી ર૪ જુલાઈ સુધી તમામ તાલુકા આરોગ્ય કચેરી ધ્વારા કુટુંબ કલ્યાણ સેવાઓ અંગે કેમ્પો યોજવામાં આવશે. નાના કુટુંબમાં પુરુષની પણ એટલી જ સહભાગીદારી છે. સરકારી હોસ્પીટલમાં પુરુષ નસબંધી (NSV) અપનાવનાર લાભાર્થીને પ્રોત્સાહક રકમ તરીકે રુ. ૨૦૦૦/- રોકડ આપવામાં આવશે અને સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ ૭ દિવસમાં કાયમી સ્ત્રી નસબંધી ઓપરેશન કરાવે તે માટે રૂ. ૨૨૦૦ મળવા પાત્ર છે તેમજ સ્ત્રી લાભાર્થીને અનુકુળતા મુજબ નસબંધી કરાવનાર લાભાર્થીને રુ. ૧૪૦૦/- મળવા પાત્ર છે. તેમજ સરકાર માન્ય પ્રાઈવેટ કુટુંબ કલ્યાણ સેવા કેન્દ્રો, હોસ્પીટલમાં પુરુષ લાભાર્થીને રુ. ૧૦૦૦/- તેમજ સ્ત્રી નસબંધી અપનાવનાર લાભાર્થીને રુ. ૧૦૦૦/- પ્રાઈવેટ સર્જનશ્રી તરફથી ચુકવવામાં આવશે.

એક દિકરી બાદ નસબંધી અપનાવનાર પુરુષ/સ્ત્રી લાભાર્થી દંપતિને એક દિકરી યોજના અંતર્ગત રુ. ૬૦૦૦/- ના રાષ્ટ્રીય બચત પત્રક આપવામાં આવે છે. તેમજ બે  દિકરી બાદ નસબંધી અપનાવનાર ને રુ. ૫૦૦૦/- ના બચતપત્રક આપવામાં આવે છે.

કુટુંબ નિયોજન નુકશાન ભરપાઈ યોજના હેઠળ નસબંધી કરાવ્યા સમયે કે કરાવ્યા બાદ (મૃત્યુ , નિષ્ફળતા, શારીરીક તકલીફ) ના કિસ્સામાં નિયમોનુસાર વળતર મળવાપાત્ર થાય છે.

ઉપરોકત ઉજવણી ઝુંબેશમાં જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં શિબિરો યોજી કુટુંબ કલ્યાણગણ કાર્યક્રમ વિષે તબીબી અધિકારી, સ્ત્રી આરોગ્ય સુપરવાઈઝર, સ્ત્રી આરોગ્ય કાર્યકર, આશા કાર્યકર ધ્વારા વિસ્તૃત માહિતી આપી નસબંધી ઓપરેશન માટે નોંધણી કરવામાં આવશે ડો.પંકજ પાંડે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા જણાવાયું.

(11:43 am IST)