Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સોમનાથ મંદિરની સલામતી માટે ઘણા પગલાઓ લેવાયા

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી લહેરીની જાહેરાત : વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં પવન : સોમનાથ મંદિર ધૂળની ડમરીઓ વચ્ચે જાણે ઢંકાયું

અમદાવાદ, તા.૧૨ :વાયુ વાવાઝોડાને લઇ સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિર લાખો-કરોડો શ્રધ્ધાળુ ભકતો માટે ધાર્મિક આસ્થાનું સ્થાનક સમા પ્રથમ જયોર્તિલિંગ એવા સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરની સલામતી અને સુરક્ષા માટે વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ અને સત્તાવાળાઓ દ્વારા ખાસ તકેદારી અને જાળવણીના તમામ અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. જો કે, વાયુ વાવાઝોડાની અસરના કારણે દરિયાકિનારા વિસ્તારમાં તોફાની પવન ફુંકાયો હતો. સોમનાથ મંદિર ધૂળની ડમરીઓ વચ્ચે જાણે ઢંકાઇ ગયુ હતું. મંદિર પરિસર અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ધૂળિયુ વાતાવરણ જ નજરે પડતું હતુ. તોફાની પવન સાથે ધૂળની ડમરીઓ વાતાવરણમાં છવાઇ ગઇ હતી. દરમ્યાન સોમનાથ મંદિરની સુરક્ષા અને સલામતીને લઇ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી એવા સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે. મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા સામે ટકી રહેવા સક્ષમ છે. જો કે, તેમ છતાં ટ્રસ્ટ અને તંત્ર દ્વારા મંદિરની સલામતી માટે તકેદારીના જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. મંદિરની સલામતી માટે તકેદારીના ભાગરૂપે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ ટાવર ઉતારી લેવામાં આવ્યા છે. બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે. અલબત્ત, મંદિર સંકુલ અને સોમનાથ મહાદેવના દર્શન નિયત સમય મુજબ થઈ શકે છે પરંતુ આવા સંજોગોમાં દર્શનાર્થીઓ આવવાનું ટાળે એ ઈચ્છનીય છે. સાગરદર્શન સહિતના સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગેસ્ટહાઉસ, ખાનગી હોટેલ્સ વગેરે માંથી યાત્રાળુઓ સોમવાર સાંજથી નીકળવાના શરૂ થઈ ગયા હતા અને બુધવાર બપોર સુધીમાં ભાગ્યે જ કોઈ યાત્રાળુઓ સોમનાથમાં રોકાયા હતા. મંદિર પરિસરથી પારસભવન સુધીના દરિયાકાંઠામાં અવરજવર સદંતર બંધ કરી દેવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા એનડીઆરએફના જવાનો ઉપરાંત રાહત કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓના રહેવા-જમવાની સુવિધા કરવામાં આવી છે.

(7:24 pm IST)