Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાને પગલે મુંબઇથી સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેની ટ્રેનો ૧૪મી સુધી રદ્દ

ભુજ તા. ૧રઃ વાયુ વાવાઝોડું મુંબઇ પહોંચતા જ મુંબઇમાં તેની અસર રૂપે પવન સાથે જોરદાર વરસાદ પડયો છે. વાયુ વાવાઝોડું આવતીકાલે સવારે મુંબઇથી પોરબંદર પહોંચશે. પણ તાજેતરમાં જ ઓરિસ્સામાં વાવાઝોડા સમયે સરકારે વરતેલી સાવધાનીની પેટર્ન ઉપર જ ગુજરાતમાં વહીવટી તંત્ર સતર્ક રહેશે એવું રાજયના મખ્ય સચિવ જે. એન. સીંઘે જણાવ્યું છે.

ખુદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જાતે વાવાઝોડાની રાહત અને બચાવની સમગ્ર કામગીરી ઉપર નજર રાખી રહ્યા છે. વાવાઝોડુ પોરબંદર વેરાવળ પહોંચ્યા બાદ કચ્છના દરિયામાં પૂર્ણ થશે. જોકે, વાવાઝોડાની ગતિવિધિ ઉપર હવામાન તંત્રની નજર છે અને તમામ વિગતો ધ્યાને લઇને સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર સંકલન સાથે કામ કરી રહ્યા છે.

દરમ્યાન સાવચેતીના ભાગ રૂપે મુંબઇ અને સૌરાષ્ટ્ર-કચ્છ વચ્ચેનો ટ્રેન વ્યવહાર બંધ કરી દેવાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા મુંબઇથી ઓખા, સોમનાથ, જામનગર અને ભુજ (કચ્છ) જતી આજે તારીખ ૧ર/૬ તેમજ ૧૩/૬ અને ૧૪/૬ સુધીની ટ્રેનો રદ કરી દેવાઇ છે.

પરિણામે મુંબઇથી સૌરાષ્ટ્ર-કચ્છ જવા માંગતા પ્રવાસીઓ અટવાઇ ગયા છે. એજ રીતે સૌરાષ્ટ્ર કચ્છથી મુંબઇ તરફ જતી ટ્રેનો રદ કરી દેવાઇ છે. સલામતીના કારણોસર પ્રવાસીઓ પોતાની મુસાફરી ટાળે તેવી અપીલ પણ કરાઇ છે. રોડ મુસાફરી ટાળવા વહીવટી તંત્રએ તાકીદ કરી છે.

(3:48 pm IST)