Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગેરકાયદે રીતે કપચી અને રેતી ભરેલાં ૩ ડમ્પર ઝડપાયા

વઢવાણ, તા.૧૨: સુરેન્દ્રનગર જિલ્લામાં કપચી, રેતી, કાર્બોસેલ સહીતનું ખનીજોનું પાસ પરમીટ વગર તેમજ વાહનોમાં ઓવરલોડ ખનીજ ભરી વહન થતું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમે રતનપર મેકશન સર્કલ પાસે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં એક ડમ્પરને અટકાવી તલાશી લેતા ૧૨ ટન ઓવરલોડ કપચી ભરેલી હોવાનું ધ્યાને આવતા કપચી તેમજ ટ્રક સહીત રૂપિયા ૪૫ લાખનો મુદ્દામાલ સીઝ કરી જોરાવરનગર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. જયારે ચોટીલા તાલુકાના નાની મોરસલ ગામ પાસેથી રેતી ભરેલું ડમ્પર બિનવારસી હાલતમાં મળી આવતા ૧૭ ટન રેતી તેમજ ડમ્પર સહીત રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરી ચોટીલા પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. આમ કુલ રૂપિયા ૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ખાણખનીજ વિભાગની ટીમે વધુ તપાસ હાથ ધરી હતી.

જયારે મૂળી પાસેથી પસાર થતા હાઇવે પરથી અનેક વાહનો પાસ પરમીટ વગરના પસાર થતા હોય છે. જયારે અનેકવાર તંત્રની ટીમ દ્વારા આવા પાસપરમીટ વગર ચાલતા ટ્રક, ડમ્પર સામે કાર્યવાહી કરાય છે. તેમ છતા આ પાસપમીટ વગરના વાહનો પસાર થવાનુ઼ ચાલુ રહે છે.

મૂળી મામલતદાર હાર્દિકભાઇ ડામોર મૂળી હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન કપચી ભરેલ ગેરકાયદેસર ડમ્પર પસાર થતુ ધ્યાને આવતા તેને ઝડપી પાડ્યુ હતું. આ ડમ્પરમાંથી ૯ ટન માલ સહિત લાખોનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

(1:23 pm IST)