Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

દ્વારકા દરિયાકાંઠાના ૪૪ ગામના ૧પરર લોકોનું સ્થળાંતર

એનડીઆરએફની ર ટીમ, એસપીઆરએફ-આર્મીની ૧-૧ ટીમ તૈનાતઃ એનજીઓ દ્વારા ફુડ પેકેટ સહિતની તૈયારીઓ કરાઇઃ કંટ્રોલ રૂમ ધમધમ્યોઃ શાળા-કોલેજોમાં બે દિ' રજાઃ પ્રવેશોત્સવ મોકુફ રખાયો

ખંભાળિયા તા. ૧ર : સમગ્ર સૌરાષ્ટ્ર સહિતના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં વાયુ વાવાઝોડાની આગાહીના પગલે સમગ્ર રાજ્યના વહીવટી તંત્ર દ્વારા મિટીંગનો ધમધમાટ શરૂ કરી સાવચેતીના પગલા ભરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી છે. ખાસ કરીને દરીયા કાંઠાના વિસ્તારોમાં ગત રોજથી જ બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને નિચાણવાળા વિસ્તારમાંં વસવાટ કરતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

ત્યારે દ્વારકા જિલ્લામાં પણ પરિસ્થિતિનો તાગ મેળવવા અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને જિલ્લાના સ્થિતી વિશે ચર્ચા કરવામાં આવીહતી. ખંભાળિયા હેડ કવાટર ખાતેના કટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ વાવાઝોડાની આગાહીના પગલે હાલ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોના ૪૪ ગામોના આજરોજ સવારે નવ વાગ્યા શું ઘીમાં ૧પરર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું ઉપરાંત દરિયામાં વધુ કરંટ હોવાના કારણે દ્વારકા, કલ્યાણપુર, સલાયાના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામં આવેલ છે અને માચ્છીમારોને દરિયો ના ખેડવા તેમજ દરિયામાં રહેલા માચ્છીમારોને પરત બોલાવવામાં આવેલ છે હાલ દ્વારકા બંદરો પર પ હજારથી વધુ બોટો કિનારે આવી પહોંચી છે.

ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ફરજ પરના કર્મચારી દ્વારા જણાવ્યા મુજબ આફતની સ્થિતીમાં પહોંચી વળવા માટે એનડીઆરએફની બે ટીમ ખંભાળીયા અને દ્વારકા ખાતે તૈનાત કરવામાં આવી છે. જયારે એસઆરપીએફ અને આર્મી સાથે કોસ્ટગાર્ડની એક એક ટીમ તૈનાત કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લાના જુદા-જુદા એનજીઓ દ્વારા અછતગ્રસ્તો માટે ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. અને જિલ્લાની સ્થિતી ઉપર સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર રાજયમાં વાવાઝોડાની આગાહીના પગલે સુરક્ષાના ભાગરૂપે રાજયના શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓનું શૈક્ષણીક કાર્ય આજરોજ તા.૧ર અને ૧૩ સુધી બંધ રાખવા સુચના આપવામાં આવી છે.  આ અંગે જિલ્લા પ્રા.શિક્ષાાધિકારી બી.એચ.વાઢેળના જણાવ્યા અનુસાર આફતની સ્થિતિમાં શાળાઓને આશ્રય સ્થાન તરીકે જાહેર કરવામાં આવેલ હોવાથી શાળામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓએ શાળામાં ફરજીયાત હાજર રહેવું તેમજ હેડ કવાર્ટસ છોડવાનું રહેશે નહી. તેમજ આશ્રય સ્થાન તરીકે નકકી કરાયેલી શાળામાં પીવાના પાણીની, સેનીટેશન, લાઇટ સહિતની જરૂરી વ્યવસ્થા તેમજ શાળાની ચાવીની યોગ્ય વ્યવસ્થા કરી સંબંધિત વિભાગના કર્મચારીઓ સાથે સંકલનમાં રહેવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.

(1:22 pm IST)