Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સંગઠન સાથે સેવાઃ અમરેલીમાં રવિવારે ટીફીન બેઠકઃ વાવાઝોડાની અસરની માહિતી પીરસાશે

મદદ કરવા માટે અથવા મેળવવા માટે અમરેલી પરિવારનો સંપર્ક કરવોઃ રૂપાણી સરકારના પૂર્વ સાવચેતીના પગલાને બીરદાવતા દિલીપ સંઘાણી

રાજકોટ, તા. ૧૨ :. અમરેલીમાં ભાજપના આગેવાનો સાથે જોડાયેલા વર્તુળો દ્વારા ટીફીન બેઠક યોજવાની પરંપરા જાણીતી છે. આ પરંપરા મુજબ રવિવારે તા. ૧૬મીએ સવારે ૯.૩૦ વાગ્યે રામાણી ફાર્મ, જેશંગપરાના પૂલ પાસે ટીફીન બેઠક યોજાનાર છે. શ્રી પરસોતમ રૂપાલા કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પ્રથમ વખત અમરેલી આવી રહ્યા છે. નારણભાઈ કાછડીયા ફરી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા પછી પ્રથમ વખત ટીફીન બેઠક મળી રહી છે. બન્ને અગ્રણીઓ આ બેઠકમાં હાજર રહેનાર છે. તેમની સફળતાને બીરદાવાશે. ટીફીન બેઠક દ્વારા એકમેકને મળવા ઉપરાંત આ વખતે વાવાઝોડાની અસરમાં લોકોને ઉપયોગી થવાનું વધુ એક કારણ નિમિત બનશે.

પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીના જણાવ્યા મુજબ ભૂતકાળની જેમ સ્નેહ મિલન સ્વરૂપની ટીફીન બેઠક સાથે લોકોના સુખદુઃખની વાત થશે. અમરેલી જિલ્લાને વાવાઝોડુ અસર કરે તેવી સંભાવના છે. ટીફીન બેઠકમાં ભાગ લેવા આવતા તમામ કાર્યકરો પોતાના વિસ્તારોમાં વાવાઝોડાની શું અસર છે ? તેની લેખીત માહિતી સાથે લાવે તેવી અપીલ છે. સંકલિત માહિતીને આધારે અસરગ્રસ્તોને ઉપયોગી થવાનું આયોજન ગણવામાં આવશે. અમરેલી પરિવાર પણ લોકોની મદદ માટે તૈયાર છે. ગર્લ્સ સ્કૂલ ખાતે રાહત સામગ્રીની એકત્રીકરણની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈ વિસ્તારમાં મદદની જરૂર હોય અથવા સેવાભાવી નાગરીકો અસરગ્રસ્તો માટે સેવા આપવા માંગતા હોય તો ગર્લ્સ કોલેજ ખાતે સંપર્ક કરવો (મો. ૯૪૨૬૬ ૨૨૯૨૯).

દિલીપ સંઘાણીએ વાવાઝોડાના વર્તારાના પગલે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા પૂર્વ સાવચેતીના સ્થળાંતર સહિતના પગલા લેવાય રહ્યા છે તેની પ્રસંશા કરી છે.

(11:56 am IST)