Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ગીર-સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ

દિવસે અંધારપટનો માહોલઃ ચારે કોર કાળા ડિબાંગ વાદળાઃ લોકોને સલામત સ્થળે જવા તાકિદ

ગીર-સોમનાથ, તા.૧૨: વાયુ વાવાઝોડાના આગમનની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. જેના અનુસંધાને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે  ગીર-સોમનાથ અને દીવ વચ્ચે આવેલા દરિયાકાંઠાના સિંબર ગામ ખાતે સવારે નવ વાગ્યે  અંધારપટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાનું ન્યુઝ ૧૮ના નવીન જંગના હેવાલમાં જણાવ્યું છે.

સિંબર ગામ દરિયાની નજીક આવેલું છે. અહીં સવારે ૯ વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ચારેતરફ કાળાડિંબાગ વાદળો છવાયા હતા. વરસાદ શરૂ થતાં દિવસે અંધારપટ છવાયો હતો. આ દરમિયાન તંત્રએ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાની સલાહ આપી હતી. ગામ દરિયાકાંઠાથી એકદમ નજીક આવ્યું હોવાથી વાવાઝોડા દરમિયાન અહીં વધારે નુકસાનની સંભાવના રહેલી છે.

ગામના સરપંચ નાઝાભાઈ સાકળશીએ વાતચીત કરતા જણાવ્યું કે, કુદરતી આફતની અસર ગામ પર જોવા મળી છે. આ વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દરિયાપટ્ટામાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવાનું કહેવામાં આવ્યું છે. ગામના લોકો પણ પૂરતો સહકાર આપી રહ્યા છે. તેમને રહેવા માટે સ્કૂલમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશરે ૧૫૦ જેટલા લોકો રહે છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આફત ટળી જાય.(૨૧.૭)

 

(11:56 am IST)