Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

જામનગરમાં એસ.ટી.બસ પિકઅપ પોઇન્ટ ઉપર ઉભી ન રાખનાર ડ્રાઇવરને સજાના બદલે મજા?

જામનગર, તા.૧૨:રાજકોટ કાલાવડ દ્વારકા એસટીની બસ જામનગરના નિયત કરેલા પિકઅપ પોઇન્ટ પર ઉભી રાખવામાં નથી આવતી. આ અંગે એસટીના એમડી,વાહનવ્યવહાર મંત્રી અને ઉચ્ચકક્ષાએ લોકોના હિતાર્થે અકિલાના ફોટો જર્નાલિસ્ટ દ્વારા ફરિયાદ કરાતા એસટી તંત્ર હરકતમાં આવ્યું છે.

જામનગરના અતિ મહત્વની ગણાતી સમર્પણ હોસ્પિટલ પાસે દરેક એસટી બસો ઉભી રાખવાની હોય છે. છતાં પણ ખાનગી વાહનોને કમાવાની તક આપવા કેટલાક એસટીના ડ્રાઇવર-કંડકટર બસ ઉભી રાખતા નથી આવુંઙ્ગ અનેક વખત બન્યાની ફરિયાદ ઉઠવા પામી હતી.

તા.૯/૬/૨૦૧૮ના સવારે રાજકોટથી દ્વારકા તરફ જતી ૯.૯ વાગ્યે સમર્પણ હોસ્પિટલ ચોકડીએ પહોંચતી દ્વારકા-કાલાવડ-રાજકોટ રૃટની જી.જે. ૧૮ ૯૮૩૦ નંબરની બસ પેસેન્જરો હોવા છતાં પેસેન્જર માટે ઉભી રખાઈ ન હોતી. મોટાભાગે આવી રીતે સ્ટોપ કર્યા એસટી બસો ચાલી જાય છે.જેની દ્વારકા ખંભાળીયા અને જામનગર ડેપોના કન્ટ્રોલ રૃમ ઉપર લોકો દ્વારા ફોનથી સંપર્ક કરીને ફરિયાદ પણ કરાઇ છે. છતાં પણ એસ.ટી.વિભાગના અધિકારીઓ ધ્યાન આપતા નથી. અને આ બસના ડ્રાઈવર-કન્ડકટર અને ખાનગી બસના ડ્રાઇવર-કન્ડકટર સાથે અનેક જગ્યાએ રસ્તામાં ચા-પાણી માટે પણ મળતા હોય છે.જેથી તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા અર્થે ફરિયાદ કરી જાગૃત નાગરિક તરીકે અકિલાના ફોટો જર્નાલિસ્ટ કિંજલ કારસરીયાએ ફરિયાદ કરી છે.

આ ફરિયાદના પગલે બસના ડ્રાઈવર ચંદુભાઈ  સોલંકીની તાત્કાલિક રજાના દિવસે જામજોધપુર બદલી કરવાનો આદેશ ડેપો મેનેજર શ્રી મકવાણાએ કર્યો છે.અને આ અંગે રિપોર્ટ પણ કરશે તેમ તેઓએ જણાવ્યું છે.

આ ઘટના બાદ એસટી વિભાગમાં બેદરકારી દાખવતા કર્મચારીઓમાં સોપો પડી ગયો છે. પરંતુ ખરા અર્થમાં એસટી વિભાગ આખી ઘટનાની યોગ્ય તપાસ કરે તો અનેક ગેરરીતિઓ સામે આવે તેમ છે.

એસ.ટી.વિભાગની બસ ઉભી ન રાખવા મુદ્દે શનિવારે કરાયેલ ફરિયાદ બાદ  દેખાવ માટે પગલા લેવા પડ્યા હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. લોકોના મુખે જે પ્રમાણે ચર્ચાય છે તે મુજબ ડ્રાઇવર ચંદુભાઈ જામજોધપુરથી નજીક આવેલા મંડાસણ ગામ ના વતની હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  જેથી સજાને બદલે ડ્રાઈવરને તેના વતન તરફ મોકલી મજા કરાવી દીધી હોવાની અને મીઠી નજર રખાયાની પણ ભારે ચર્ચા છે. આમ સજાની સજા અને મજાની મજા  જેવો તાલ સર્જાયો હોવાની પણ વાતો થઇ રહી છે.

આ  ઘટના અંગે ખરેખર એસ.ટી.તંત્રના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ધ્યાન ઉપર લઇ ડેપો મેનેજર સામે પણ જરૃર જણાયે અચૂક પગલા લેવા જોઈએ. અને જવાબદારોની  જિલ્લાફેર બદલી કરવી જોઈએ અથવા તો  એસટીને ભવિષ્યમાં નુકશાન ન થાય, મુસાફરોની કાળજી લેવાય તેવી દાખલારૃપ  કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ. સામાન્ય નાગરિક જો ફરિયાદ કરે તો ફરિયાદને ગણકારવામાં નથી આવતી એ ફરીયાદ તો લગભગ બધે જ જોવા મળે છે.

પરંતુ જો કોઈ પત્રકાર કે પહોચ ધરાવતા વ્યકિત ફરિયાદ કરે  તો મને-કમને પગલાં લેવાય છે.સામાન્ય નાગરિકના મનમાં સરકારી છબી ખરડાય નહિ અને વિશ્વાસ બેસે તે પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. તેમ ફોટો જર્નાલીસ્ટ કિંજલ કારસરીયાએ જણાવ્યુ છે.

(8:10 pm IST)