Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

સદ્દગ્રંથનાં વાંચનથી માનસિક આધ્યાત્મિકતાનો ભાવ જાગેઃ પૂ. મોરારીબાપુ

સોમનાથમાં આયોજીત ઓનલાઇન ''માનસ બિનય પત્રિકા'' શ્રી રામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા. ૧રઃ ''સદ્દગ્રંથના વાંચનથી માનસિક આધ્યાત્મિકતાનો ભાવ જાગે છે'' તેમ પૂ. મોરારીબાપુએ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આયોજીત શ્રીરામ કથાના આજે પાંચમા દિવસે કહ્યું હતું.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહ્યું હતું કે, દીનતાનો સ્થાયી ભાવ કરૂણા છે. આથી દીનતાની પત્રિકા-વાત ભકિતરૂપી સીતા જાણી શકે છે. જે જવાબ નથી દેતા એની પાસે બધા જ જવાબ હોય છે. મારાં ઘણાં નિવેદનો સમજવા માટે મહાભારત, ભાગવત અને અન્ય ગ્રંથો પણ વાંચો કાળાંતરે સમજાશે. દીનતા વિશ્વાસરૂપી હનુમાનના પૂછી લ્યો, દીનતા ત્યાગરૂપી ભરત દ્વારા પૂછો, સતત સાવધાની-જાગૃતિ રૂપી લક્ષ્મણને અને મારૃં મૌન કેવું છે એ મૌનરૂપી શત્રુધ્નને પૂછો.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, હનુમાનજી રામના મનોભાવને જાણે છે. મનની વાત જાણે છે કારણ કે એ મનોજવં છે. સમગ્ર રઘુકુળનો મનોભાવ જાણનાર હનુમાન છે. દશરથનું શબ્દવેધી બાણ શ્રવણને મારી દે છે પરંતુ ભરતનું શબ્દવેધી બાણ હનુમાનને મારતું નથી આ બધું રામ રહસ્ય છે. ભરતજી રામના સ્વભાવને જાણે છે. લક્ષ્મણજી ભગવાનના પ્રભાવને જાણે છે. અને શત્રુધ્ન ગોપ્યભાવ-મૌનભાવને જાણે છે.

(3:45 pm IST)