Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

કચ્છમાં વધુ ૫ મોત : ૧૮૧ નવા કેસ : ભુજ-ગાંધીધામમાં કોરોના સામે મીની લોકડાઉન બેઅસર : કેસો વધ્યા

અધકચરા લોકડાઉન,ઇન્જે., ઓકિસજનની અછત સાથે વેકિસનની બૂમરાણ વચ્ચે સમગ્ર જિલ્લાને કોરોનાનો ભરડો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા.૧૨: કચ્છમાં કોરોનાએ વધુ ૫ જણનો જીવ લીધો છે. તો, નવા ૧૮૧ કેસ સાથે અત્યારે સારવાર હેઠળ ૩૪૮૬ દર્દીઓ છે. અત્યારે એક બાજુ સરકાર કોરોનાને કાબૂમાં લેવા મીની લોકડાઉન સાથે રસીકરણ ઉપર ભાર મૂકી રહી છે. બીજી બાજુ સરકાર સામે હજીયે કોરોનાનો પડકાર યથાવત જ છે. તેનું કારણ એક તો અધકચરું લોકડાઉન છે.

કચ્છમાં બે શહેરો ભુજ અને ગાંધીધામમાં ૧૮ મી સુધી રાત્રિ કરફ્યુ સાથે આંશિક લોકડાઉન લંબાવાયું છે. પણ, અત્યાર સુધીમાં મીની લોકડાઉન ના અમલ વચ્ચે ભુજ અને ગાંધીધામમાં કોરોનાના કેસો વધ્યા છે.

એ જ રીતે તાલુકા અને જિલ્લા મથકોએ સમીક્ષા બેઠકો કરતાં નેતાઓ ઈન્જેકશન, ઓકિસજન અને રસીકરણના સ્થળે લોકોને પડતી મુશ્કેલી તેમ જ લાંબી લાઈનો વચ્ચે જતાં નથી અને વિતરણની ખામીઓ સુધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તંત્રને સમીક્ષા તેમ જ ઉદ્દઘાટનમાં વ્યસ્ત રાખે છે. જો, નેતાઓ લાઈનમાં ઊભા રહે તો વ્યવસ્થાની ખામીઓ સુધરી શકે. બાકી, પરિસ્થિતિ વણસતી જાય છે અને ત્રસ્ત થયેલા લોકો સરકાર ઉપર દોષારોપણ કરે છે.

(10:59 am IST)
  • હરિયાણા પોલીસે મંગળવારે ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક મહિલા પર બળાત્કાર કેસમાં છ આરોપીઓને નોટિસ ફટકારી છે. આ કેસમાં રચાયેલી એસઆઈટીએ ખેડૂત નેતા અને સ્વરાજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અને એક આરોપી મહિલાની પણ મંગળવારે સાંજ સુધી પૂછપરછ કરી હતી. આ કિસ્સામાં, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ દાવો કર્યો હતો કે તેઓ આ જાતીય હુમલા અંગે અજાણ હતા. access_time 12:00 am IST

  • મળતા અહેવાલો મુજબ અમદાવાદ, ગુજરાતના ચેરિટી કમિશનરે એનજીઓ ‘વી ધ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ’ ના બેન્ક ખાતા ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ NGO ના નામે ભંડોળ એકત્રિત કરી રહ્યા હતા, બાદ આ હુકમ થયો છે. એનજીઓને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એક તપાસમાં જાણવા મળ્યું છે કે મેવાણી આ સંસ્થાના ટ્રસ્ટી નથી. ટ્રસ્ટ તરફથી જવાબ માંગવામાં આવ્યો છે કે શું મેવાણીને આવી કોઈ અપીલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા? પરંતુ રિપોર્ટ પ્રમાણે હજી સુધી NGO તરફથી કોઈ જવાબ મળ્યો નથી તેમ જાણવા મળે છે. access_time 12:18 am IST

  • રાજકોટ એસટી બસપોર્ટ સહિત ડિવિઝનના ૩૦૦ બસ રૂટ ૧૮ મે સુધી બંધ રાખવા વિભાગીય કચેરીનો નિર્ણય : કુલ ૯ ડેપોના કુલ ૫૦૦ રૂટમાંથી ૨૦૦ રૂટ હાલ કાર્યરત access_time 11:29 am IST