Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

વિસાવદરના માંડાવડ ખાતે ઓકિસજનની પાઇપમાં બ્લાસ્ટ થતા ૪ વ્યકિતને ઇજા

ખાલી સિલિન્ડરના રીફલીંગ વખતે અકસ્માત થયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૨ : વિસાવદરના માંડાવડ ખાતે ઓકિસજનની પાઇપમાં બ્લાસ્ટ થતાં ૪ વ્યકિતને ઇજા થતાં ચારેયને વિશેષ સારવાર માટે જુનાગઢ રીફર કરાયા હતા.

આ ઘટનાથી સ્થળ પર નાસભાગ મચી ગઇ હતી. સદ્નસીબે કોઇ પ્રકારની જાનહાનિ થઇ ન હતી.

કોરોના દર્દીઓને ઓકિસજન સહિતની તબીબી સુવિધા મળી રહે તે માટે દાતાઓ, સંસ્થાઓ વગેરે દ્વારા સેવાયજ્ઞો શરૂ કરવામાં આવ્યો છે.

ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદરના વતની સુરતના ઉદ્યોગપતિ બિપીનભાઇ રામાણીએ માદરે વતન વિસાવદર વિસ્તારના કોવીડ દર્દીઓને પ્રાણવાયુ મળી રહે તે માટે વિસાવદર નજીકના માંડાવડ ખાતે ઓકિસજન સેવા શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

ગઇકાલે અત્રે ઓકિસજનના ખાલી સિલિન્ડરની રીફલીંગ કરવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક ઓકિસજન પાઇપમાં બ્લાસ્ટ થયો હતો.

ઓચિંતા જ પાઇપમાં ધડાકો થવાથી નાસભાગ મચી ગઇ હતી અને ગભરાટ ફેલાય ગયો હતો.

અકસ્માતે સર્જાયેલી આ ઘટનામાં વિસાવદરના સંજયભાઇ અમરાભાઇ દયાતર (ઉ.૩૯), અનીલભાઇ વજુભાઇ માંગરોલીયા (ઉ.૪૦), ઋત્વીક વિનુભાઇ વિરાણી (ઉ.૨૦) અને ઇશ્વરીયા ગામના દિનેશભાઇ ગગજીભાઇ વઘાસીયા (ઉ.૪૦)ને નાની-મોટી ઇજા થઇ હતી.

આ ઇજાગ્રસ્તોને તાત્કાલિક વિસાવદરના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ચારેયને વિશેષ સારવાર અર્થે જૂનાગઢ સિવિલમાં રીફર કરાયા હતા. આ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઓકિસજનની પાઇપમાં પ્રેસર વધી ગયું હોવાનું અનુમાન છે.

(10:57 am IST)