Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

માતા ગુમાવ્યા બાદ પણ દર્દીને આત્મવિશ્વાસ આપતો યુવક

કોરોનામાં માતાને ગુમાવ્યાં બાદ પુત્રનું તર્પણ : કોરોનાનાં વોર્ડમાં વધુ દિવસો સુધી રહેવું પડે ત્યારે કોરોનાનાં મોટાભાગનાં દર્દી કોરોનાનાં ડરથી ભાંગી પડતા હોય છે

ભાવનગર,તા.૧૧ :  ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં શહેરનાં શિક્ષક સાગર દવે પ્રેરણાનાં પિયૂષથી દર્દીઓમાં કોરોનાનો ડર હટાવી હકારાત્મકતા ભરી શાતા આપી રહ્યાં છે. સામાન્ય રીતે કોરોનાનાં વોર્ડમાં વધુ દિવસો સુધી રહેવું પડે ત્યારે કોરોનાનાં મોટાભાગનાં દર્દીઓ કોરોનાનાં ડરથી ભાંગી પડતા હોય છે. આવા દર્દીઓને મનની મજબૂતી આપવા અને તેમને સાજા કરવાનો નવતર અભિગમ સર તખ્તસિંહજી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

 તેઓ કોરોનાના દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી 'આત્મવિશ્વાસના ઇન્જેક્શનલ્લ આપવાનો નવતર અભિગમ અપનાવી દ્વારા દર્દીઓનું મન બહેલાવવાનો તથા તેમને મનથી મજબૂત કરવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યાં છે. સર તખ્તસિંહજી હોસ્પિટલમાં ભાવનગરનાં શિક્ષક સાગર દવે દર્દીઓને સવાર-સાંજ આરતી, સ્તુતિ, ર્ધામિક ભજનો  સંભળાવે અને ગવડાવે છે, જેનાથી વાતાવરણ હળવું બને છે.

વ્યવસાયે શિક્ષક એવા ભાવનગરનાં  સાગર દવે પ્રેરણાત્મક કિસ્સાઓ, વાર્તાઓ, દુહા-છંદ, સંસ્કૃતની ઋચાઓ તથા શ્લોક દ્વારા કોરોના દર્દીઓના મનને શાંતિ મળે અને તેમના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે સવાર-સાંજ પ્રેરણાના પિયૂષ આપી રહ્યાં છે. તેઓનાં માતૃશ્રી નયનાબેન કે જેઓ ૧૫ દિવસ પહેલા જ કોરોના સામેનો જંગ હારી ગયાં હતાં.

તેમાંથી પ્રેરણા લઈ ને કોરોનાનાં વોર્ડમાં જે ભયનું વાતાવરણ દર્દીઓ વચ્ચે હોય છે તેને હળવું કરવા માટે દરરોજ સર તખ્તસિંહજી હોસ્પિટલનાં વિવિધ વોર્ડમાં જઈને એક કલાક સુધી પ્રેરણાત્મક વાતો દ્વારા દર્દીઓનું મન બહેલાવવાનો તથા તેમને મનથી મજબૂત કરવાનું ઉમદા કાર્ય તેઓ કરી રહ્યાં છે.

શબ્દના અજવાળે કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવવાની જીજીવિષા જગાવવાને પોતાનું પરમ કર્તવ્ય સમજતાં ભાવનગરનાં શિક્ષક સાગરભાઈએ આઠ વર્ષ સુધી પોરબંદરના સાંદિપની આશ્રમમાં વ્યાકરણાચાર્યનો અભ્યાસ કર્યો છે અને તેથી તેમનું સંસ્કૃત પર ભારે પ્રભુત્વ છે. તેઓ કહે છે કે, કુદરતે આપેલી શક્તિઓનો પર પીડાને પોતાની પીડા સમજીને સમુચિત ઉપયોગ કરીએ અને તેનાં દ્વારા અન્ય લોકોના ચહેરા પર આનંદની છોળો લાવી એ તે પ્રભુ સેવાનું કામ છે.

કોરોનાના દર્દીઓના મનને મજબૂત કરવા તોરા મન દર્પણ દિખલાયે, યે વક્ત ભી ગુજર જાયેગા, ડર કે આગે જીત હૈ, 'મન ચંગા તો કથરોટ મેં ગંગાલ્લ જેવી ઉક્તિઓને વાસ્તવમાં ચરિતાર્થ કરવાનો સ્તુત્ય પ્રયાસ સાગર દવે દ્વારા કરવામાં આવી રહ્યો છે. સર તખ્તસિંહજી હોસ્પિટલનાં કોરોનાનાં દર્દીઓને પ્રેરણાત્મક ગાથા અને સંસ્કૃતની ઋચાઓ સંભળાવી 'આત્મવિશ્વાસના ઇન્જેક્શન' આપવાનો નવતર અભિગમ આપી રહ્યાં છે. હું સ્વસ્થ છું, મારામાં સાજો થવાની શક્તિ છે, હું મનથી મજબૂત છું, હું કોઈપણ પરિસ્થિતિમાં સ્થિતપ્રજ્ઞ રહી શકું છું, દરેક ક્ષણ અને દરેક દિવસે મારૃં શરીર તંદુરસ્ત થતું જાય છે.લ્લલ્લ

આવા હકારાત્મકતાથી ભરેલા શબ્દો દ્વારા સાગર દવે કોરોનાના વોર્ડમાં રહેલાં નેગેટીવ વાતાવરણમાં વિધાયક રીતે સકારાત્મકતાનો સંચાર કરે છે. તેમણે કહ્યું કે, તેમના માતૃશ્રી નયનાબેન જ્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં હતા. ત્યારે સર તખ્તસિંહજી હોસ્પિટલના ડો.અધિશભાઈ અને સિક્યુરિટી ઇન્ચાર્જ અનિલભાઈએ તેમને તેમની માતા સાથે પ્રેરણાત્મક વાતો કરતાં જોઇને. તેમના વિચારો હોસ્પિટલમાં રહેલા અન્ય દર્દીઓ સાથે પણ વહેંચવા માટે અપીલ કરી હતી.

 તેમની અપીલ અને વિશ્વાસને ધ્યાનમાં લઇ તેમજ ડો.અધિશભાઈ અને અનિલભાઈના સહકારથી અને સર તખ્તસિંહજી હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન્ટ ડી.જયેશ બ્રહ્મભટ્ટની કોરોના વોર્ડમાં પૂરતું સંરક્ષણ લઈ ની.પી.ઈ. કીટ પહેરીને જવાની સગવડ દ્વારા હું છેલ્લા પંદર દિવસથી આ કાર્ય કરી રહ્યો છું.તેઓ વધુમાં ઉમેરે છે કે, મારા માતૃશ્રીનાં તર્પણ તરીકે અન્ય કોઈની પણ માતા પોતાનાથી વિખુટી ન થાય તે માટે દરરોજ એક કલાક જુદા-જુદા વોર્ડમાં જઈને પ્રેરણાત્મક વાતો દ્વારા કોરોના વોર્ડમાં હકારાત્મક ઉર્જાનો સંચાર કરું છું.

(9:16 pm IST)