Gujarati News

Gujarati News

News of Sunday, 12th May 2019

કેશોદ યાર્ડમાં તુવેરનો લાખોનો જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે

સીઝ કરાયેલો તુવેર જથ્થો ખુલ્લામાં પડી રહ્યો છે : તુવેરનો આટલો મોટો જથ્થો સાચવવામાં તંત્રની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી : નુકસાનીની જવાબદારી કોની

અમદાવાદતા. ૧૨ : રાજયભરમાં ભારે ખળભળાટ મચાવનારા તુવેર કૌભાંડ બાદ તંત્ર દ્વારા સીઝ કરાયેલો રૂ.૯૦લાખથી વધુની કિંમતનો જથ્થો કેશોદ માર્કેટ યાર્ડ ખાતે રામભરોસે હાલતમાં ખુલ્લામાં રઝળતો પડયો છે. તંત્રના વાંકે તુવેરનો આટલો મોટો જથ્થો ખુલ્લામાં પડી રહ્યો છે, છતાં તંત્રના અધિકારીઓના પેટનંુ પાણી હાલતુ નથી. એકબાજુ, તુવેરનો આટલો મોટો જથ્થો સાચવવામાં તંત્રની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સામે આવી છે તો બીજીબાજુ, કમોસમી વરસાદ કે વાવાઝોડા, કુદરતી આપત્તિ આવે તો નુકસાનીની જવાબદારી કોની તેને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને તંત્રની બેફિકરાઇને લઇ ખેડૂતોમાં ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે. કેશોદ માર્કેટીંગ યાર્ડ ખાતે થોડા સમય પહેલાં તુવેરનાં જથ્થામાં ભેળસેળ મળતાં તેને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો. જો કે, હાલ આ સીઝ કરાયેલો જથ્થો તંત્ર દ્વારા સાચવવામાં નહી આવતા હાલ બગડી રહ્યો છે અને રખડતા પશુઓ માટે થઇને તે એક આશ્રય સ્થાન બની ગયો છે. તુવેરના ખુલ્લામાં પડી રહેલા જથ્થામાં રખડતા પશુઓ જાણે ધીંગામસ્તી કરી રહ્યા છે.  તંત્રના વાંકે તુવેરનો ૯૦ લાખથી વધુનો સીઝ કરેલો જથ્થો ખુલ્લામાં રઝળી રહ્યો છે, છતાં હજુ સુધી તંત્રના અધિકારીઓ આટલી ગંભીર બાબત પરત્વે દુર્લક્ષ્ય સેવી રહ્યા છે.  કેશોદ માર્કેટયાર્ડ ખાતે ખેડુતો પાસેથી ખરીદાયેલી ભેળસેળકાંડવાળી ૩૨૪૧ તુવેરની બોરીઓને પુરવઠા વિભાગ દ્વારા સીઝ કરવામાં આવી હતી. ત્યારે શરૂઆતના ત્રણ દિવસ પોલીસ હાજર રહી બાદમાં છેલ્લા ૧૪ દિવસથી આ જથ્થો રેઢીયાળ હાલતમાં બિલકુલ રઝળતો અને રામભરોસે હાલતમાં પડ્યો છે. જેના ઉપર કુતરા, બિલાડા ધીંગામસ્તી કરી રહ્યા છે ઉપરાંત હાલ કમોસમી વરસાદની શકયતા રહેલી હોય અને જો વરસાદ પડે તો તમામ તુવેરના જથ્થાનો નાશ થાય એમ છે તો આ ૯૦ લાખની તુવેર બગડે તેવી બેદરકારી બદલ જવાબદાર કોણ ? શું સીઝ કરાયેલા જથ્થાને સુરક્ષિત ન રાખી શકાય, શું તેને રઝળવા દેવો જોઇએ ? તેવા સવાલો વચ્ચે સરકારની બેજવાબદારી ભર્યુ વલણ આંખે ઉડીને વળગી રહ્યું છે એટલે જ તો સરકાર અને તંત્ર દ્વારા આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો ખેડુત સમિતી દ્વારા થઇ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેશોદ તુવેર કૌભાંડમાં ભેળસેળ અને ગેરરીતિ મામલે સાત વ્યકિતઓ વિરૂધ્ધો ફરિયાદ નોંધાઇ હતી. જેમાં હાલ બે આરોપી જેલ હવાલે છે. જયારે બાકીનાં પાંચ આરોપી હજુ પણ ફરાર હોય તે પૈકી બાતમીનાં આધારે પોલીસે વધુ એક આરોપી જયેશ લખમણ ભારથીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. જેને પોતે મુકાદમ તરીકે કામ કરતો હોવાનું અને ૨૩ હજાર મળ્યાનું કબુલ્યું હતું. જયારે તેણે મુકેલા આગોતરા જામીન કેશોદ સેશન્સ કોર્ટે નામંજુર કર્યા હતાં.

(8:16 pm IST)