Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

સમગ્ર ગુજરાતની જનશક્તિ જળ અભિયાનને ઉજાગર કરવા કામે લાગી છેઃ પાણી વિશે બોલવાનો વિરોધીઓને અધિકાર નથીઃ પોરબંદર જિલ્લાના બગવદરમાં તળાવને ઉંડા કરવાના શ્રમદાનમાં સહભાગી થતાં વિજયભાઇઃ પોરબંદર નગરપાલિકાના આધુનિક ભવનનું ખાતમુહૂર્ત અને કડછ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

ગાંધીનગરઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પોરબંદર જિલ્લાના બગવદર ગામે સુર્ય રન્નાદે મંદિર ખાતે તળાવને ઉંડુ કરવાના શ્રમદાનમાં સહભાગી બની જણાવ્યું કે સમગ્ર ગુજરાતની જનશક્તિ જળ અભિયાનને ઉજાગર કરવા કામે લાગી છે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું કે રાજયમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા આપણી નિયત સાફ છે., પ્રજા સરકારની સાથે છે ત્યારે વિરોધીઓને પાણી વિશે બોલવાનો અધિકાર નથી.

        સુજલામ સુફલામ જળ અભિયાન ઇશ્વરીય કાર્ય છે એમ કહી મુખ્યમંત્રીશ્રીએ રાજયમાં લોકશક્તિએ સરકારશ્રીના અભિયાનને વધાવી લીધું તે અંગેની ફળશ્રુતી કહી હતી. મૂખ્યમંત્રીશ્રીએ જળઅભિયાનના નક્કર આયોજનની વિગતો આપી કહ્યું કે પાણી પ્રભુનો પ્રસાદ છે પાણીનો દુકાળ

ભૂતકાળ બનાવવો છે. નવી પેઢીને પાણીની અછતનો સામનો કરવો ન પડે તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વરસાદના પાણીના ટીપે ટીપાને બચાવી ગુજરાતને સમૃધ્ધી સાથે પાણીદાર બનાવવું છે.

        મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં અગાઉ કયારેય ન થયું હોય તેવું તળાવો ઉંડા કરવાનું વિરાટ કાર્ય હાથ ધરાયું તેનાથી  ૧૧૦૦૦ લાખ ઘનફુટ પાણીની સંગ્રહક્ષમતા વધશે તેમ કહ્યું હતું.  અગામી ચોમાસું સારૂ થશે તેવી આગાહિ છે એટલે મેઘરાજાની કૃપાથી જળસંચયના જયાં જયાં કામો થયા છે તે તળાવો પાણીથી છલો છલ થશે. આ કાર્ય પ્રજાના કલ્યાણનું છે અને વિરોધીઓને તેમાં રાજકારણ દેખાય છે. કમળો હોય તેમને પીળું જ દેખાય તેમ કહી મુખ્યમંત્રીશ્રીએ કહયું કે પાણીના નામે સરકારને ભીડવવાની મેલી મુરાદ ફળી નથી. દોઢ વર્ષમાં સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણીથી ૧૧૫ ડેમ ભરાઇ જશે. જેથી આપણો સૌરાષ્ટ્રનો ખેડૂત વધુ સમૃધ્ધ બનશે. કાળા ઉનાળે  સરકારે કચ્છનો ટપ્પર ડેમ ભરી દીધો અને રાજકોટના આજી ડેમમાં પણ નર્મદાના ડેમનું પાણી આવ્યું, સરકાર સતત પ્રજાના કલ્યાણ માટે કાર્યરત છે તેમ કહી રાજયની જળ વ્યવસ્થાપનની બહુઆયામી યોજનાની વિગતો આપી હતી.

        મુખ્યમંત્રીશ્રીએ પોરબંદર જિલ્લામાં ૧૨૫ થી વધુ જગ્યાએ લોકભાગીદારીથી જળ અભિયાનના કામો ચાલી રહ્યા છે તે અંગે આનંદની લાગણી વ્યકત કરી હજુ એક પણ ગામ આ કાર્યથી વંચિત ન રહી જાય તે માટે આહવાન કર્યું હતું. સરકારે તળાવમાંથી માટી કાંપ લઇ જવાની છુટ આપી છે તેમ કહી જમીનને ફળદ્રુપ કરવા જોઇએ તેટલી માટી લઇ જવા મુખ્યમંત્રીશ્રીએ ખેડુતોને આમંત્રીત કર્યા હતા.

        બગવદર ખાતેના જળસંચયના કાર્યક્રમમાં સ્ટેજ પરથી મુખ્યમંત્રીશ્રી એ રૂા. ૩.૪૭ કરોડના ખર્ચે નિર્માણાધિન પોરબંદર નગરપાલિકાના કોર્પેારેટ ભવનના બાંધકામનું ખાતમુહૂર્ત અને કડછ ખાતે રૂા. ૮૨ લાખના ખર્ચે બનેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું.

        કાર્યક્રમના પ્રારંભે ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયાએ શાબ્દીક સ્વાગત કરી જિલ્લામાં ચાલતા જળસંચયના કામોની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ  સુર્ય રન્નાદે મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જિલ્લાની સંસ્થાઓ અને અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યુ સ્વાગત કર્યું હતું.            

આ કાર્યક્રમમાં સંતશ્રી પરમાત્માનંદગીરી બાપુ, સંતશ્રી ભાનુપ્રકાશસ્વામી, સંતશ્રી વસંતબાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઇ ઓડેદરા, તાલુકા પંચાયત પોરબંદર પ્રમુખશ્રી વિરમભાઇ કારાવદરા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી વિક્રમભાઇ ઓડેદરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેનશ્રી    લક્ષ્મણભાઇ ઓડેદરા, સુદામા ડેરી પોરબંદરના ચેરમેનશ્રી અરજણ ભુતિયા, તાલુકા પંચાયત રાણાવાવ પ્રમુખશ્રી નાનજી કરથીયા, તાલુકા પંચાયત કુતીયાણા પ્રમુખશ્રી વાલીબેન ભીમા મોઢા, નગરપાલિકા પોરબંદરના પ્રમુખશ્રી ભારતીબેન મોદી, નગરપાલિકા છાંયાના પ્રમુખશ્રી ગીતાબેન ગૌસ્વામી, નગરપાલિકા કુતિયાણાના પ્રમુખશ્રી ઢેલીબેન ઓડેદરા, કલેકટરશ્રી મુકેશ પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શોભા ભૂતડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહિંયા, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ધાનાણી, પ્રાંત અધિકાશ્રી કે.વી બાટી, જિલ્લા અગ્રણી સર્વશ્રી રમેશભાઇ મુંગરા, શ્રી મનીષભાઇ જેઠવા, શ્રી રાજશીભાઇ પરમાર, શ્રી વિજયભાઇ થાનકી, શ્રી નીલેષભાઇ ઓડેદરા, શ્રી અશોકભાઇ મોઢા વિગેરે સહિત મોટી સંખ્યામાં આ વિસ્તારના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(5:51 pm IST)