News of Saturday, 12th May 2018
ગાંધીનગરઃ પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં વર્ષોથી પશુપાલન અને ટુંકી ખેતી કરતા માલધારીઓ પાણીનું મહત્વ સારી રીતે જાણે છે. બરડાના માલધારીઓએ કહ્યું કે ઇશ્વરના આર્શિવાદ હોય તેનેજ આવા ઉમદા કલ્યાણકારી વિચાર આવે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ બચાવવા , પાણીને સંગ્રહિત કરવા જે કાર્ય કર્યું છે તે કાર્ય સમગ્ર જીવસૃષ્ટી માટે લાભદાયી છે.
બરડાના ભારવાડા ગામે પશુપાલનથી રોજગારી રળતા કારાભાઇ ગોગનભાઇ હુણને જયારથી સમાચાર મળ્યા કે રાજય સરકાર એક મહીનો આખો રાજય ખુણે ખુણે તળાવો અને ચેકડેમો –વોંકળા ઉંડા કરાવવાનું અભિયાન કરશે ત્યારથી ખુશ છે. પરંપરાગત વેશમાં વાંસળી વગાડીને મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પહોંચેલા શ્રી કારાભાઇએ પ્રતિભાવ આપતાં કહ્યું કે પાણી હશે તો માલધારી અને ખેડૂતના ઘરમાં રિધ્ધિ-સિધ્ધિ આવશે. પોરબંદરના બરડા વિસ્તારમાં ગામે ગામ ખેડૂતો- માલધારીઓ મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ૧૦૦ ટકા લોકભાગીદારીથી તળાવો ઉંડા કરી રહ્યા છે અને તેના પરીણામો ચોમાસામાં તળાવો ભરાઇ જશે તેમ જણાવ્યું હતું.
આવા જ એક માલધારી સ્વાધ્યાયી પરિવારના દેવાભાઇ ઠેબાભાઇ ગોઢાણીયાએ કહ્યું કે મુખ્યમંત્રી ખુદ દરેક જગ્યાએ શ્રમદાનમાં જોડાઇને અમને આ કાર્યમાં હોંશલો આપી રહ્યા છે. પોરબંદર ગામે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તળાવ ઉંડા કરવાના સદ્કાર્યમાં પધારી રહ્યા છે. તે જાણીને અમે ગ્રામજનો આ કાર્યને વધાવવા આવ્યા છે અને અમારા ગામમાં પણ તળાવડા ઉંડા કરીશું તેમ જણાવ્યું હતું.