Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મોરબીના ખાનપુર ગામમાં સ્‍મશાનની જમીન મુદ્દે સોમવારે વિજયભાઇ રૂપાણી સમક્ષ ગાંધીનગરમાં ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા વિચારણા

મોરબીઃ મોરબી જિલ્લાના ખાનપુર ગામમાં દલિતોના સ્‍મશાન મુદ્દે ભારે વિવાદ થયા બાદ સોમવારે રાજ્યના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ગ્રામજનો રજૂઆત કરવા જનાર હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી નજીક આવેલ ખાનપુર ગામમાં દલિતોને 1.25 વિઘા જમીન સ્મશાન બનાવવા માટે ફાળવવામાં આવ્યા બાદ પાટીદાર અને અન્ય જ્ઞાતિના લોકોએ તેને વિરોધ કર્યો હતો. ઉચ્ચ જ્ઞાતિના 1000 જેટલા લોકો કે જેમાં મોટાભાગના પાટીદાર સમાજમાંથી આવતા હતા તેમણે આ મામલે મોરબી કલેક્ટર ઓફિસ સામે ધરણા યોજ્યા હતા.

ધરણા પર ઉતરી આવેલા આ લોકોએ જિલ્લા કલેક્ટર ઓફિસને અરજી આપતા કહ્યું હતું કે દલિતોને સ્મશાન માટે જમીન આપવાના તેમના નિર્ણયને પરત ખેંચે. જે બાદ વિસ્તારમાં ટેન્શન વધી જતા પોલીસે ચાંપોત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો હતો.

ગામવાસીઓએ વિરોધ દર્શાવતા કહ્યું કે, ‘જે ‘ખારવાડ’ નામે ઓળખાતી જગ્યા સ્મશાન માટે આપવામાં આવી છે તે હકીકતમાં ગામની જમીન છે. આ જમીન રાજના સમયમાં ખેડૂતોને તેમની ખેત પેદાશ સાચવવા માટે આપવામાં આવી હતી.’ જ્યારે બીજી તરફ દલીત સમાજ દ્વારા પાછલા 4 વર્ષથી સ્મશાન બનાવવા માટે જમીનની માંગણી કરવામાં આવતી હતી.

વર્ષ 2015માં ડે.કલેક્ટર દ્વારા સ્મશાન માટે જમીન ફાળવણી કરવામાં આવી હતી જોકે આ જમીન પર ગામના અન્ય લોકોનો કબજો હોઈ તેને ખાલી કરાવવા માટે જિલ્લા કલેક્ટર આર.જે. માકડિયાએ આદેશ કર્યા બાદ ગામવાળોઓનો વિરોધ સામે આવ્યો હતો. ખાનપુરમાં આશરે 50000ની વસ્તી છે.

જ્યારે ખાનપુરના સરપંચે કહ્યું કે, ‘અમે કલેક્ટરના નિર્ણયનો સખત વિરોધ કરીએ છીએ. આ જગ્યાનો ખેડૂતો પાકને સંગ્રહ કરવા ઉપરાંત ખેતીના અનેક કામમાં ઉપયોગ કરે છે. તેમજ તેમના પશુધન પણ અહીં ઘાંસ ચરે છે. આ નિર્ણય ગ્રામજોનો સાથે ચર્ચા કર્યા વગર જ લઈ લેવામાં આવ્યું છે. તો આ મામલે ગામના રહેવાસીઓ સોમવારે મુખ્યમંત્રી વિજય રુપાણી પાસે પણ રજૂઆત કરવા માટે ગાંધીનગર જવાનું વિચારી રહ્યા છે.’

આ મામલે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને કલેક્ટર માકડિયાએ કહ્યું કે, ‘તેમણે મને અરજીપત્રક સોંપ્યું છે. આ એક સ્થાનિક કાયદાકીય આદેશ છે. જો ગામ લોકોને યોગ્ય ન લાગતું હોય તો તેઓ અન્ય ઉચ્ચ ફોરમમાં જઈ શકે છે. તેમના અરજીપત્રકને મે સરકારમાં ઉચ્ચ જગ્યાએ ફોરવર્ડ કરી દીધું છે.’

(5:29 pm IST)