Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

શ્રી સોમનાથ મહાદેવના સ્થાપના દિવસે અમિતભાઇ શાહ પરિવાર સાથે દર્શને

તા.૧૨: કર્ણાટકની ચૂંટણીના પડધમ શાંત થયા બાદ ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે શુક્રવારે સાંજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહે સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરી હતી. આ તકે મંદિરે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ભવ્ય સ્વાગત કર્યુ હતું. શુક્રવારે સાંજે પાંચેક વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ તેમના પુત્ર, પુત્રવધુ અને પોૈત્ર સાથે સોમનાથ મંદિરે આવી પહોંચેલ હતા, અમિતભાઇ શાહે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજાપૂજા અને આરતી કરી કર્ણાટકની ચૂંટણીમાં ભાજપને સફળતા મળે તે માટે પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર ખાતે શ્રી અમિતભાઇ શાહનું પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી, પ્રદેશમંત્રી ભીખુભાઇ દલસાણીયા, સાંસદ, રાજેશ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, પુર્વમંત્રી જશાભાઇ બારડ, ડોલર ભાઇ કોટેચા, સ્થાનિક ભાજપ સંગઠનના ઝવેરીભાઇ ઠકરાર, રાજશી જોટવા જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, નગરપતિ જગદિશ ફોફંડી લખમભાઇ ભેંસલા સહિત મોટી સંખ્યામાં હાજર ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ તથા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ-હોદેદારોએ ભવ્ય સ્વાગત કરેલ હતું. શ્રી સોમનાથ મહાદેવ ના સ્થાપના દિવસ નિમિતે શ્રી સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરાયો હતો. નૃત્ય મંડપ ખાતે પુર્વાબેન શેઠ ગૃપ દ્વારા નૃત્યથી નટરાજની આરાધના કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ અહેવાલઃ દિપક ઠક્કર,(વેરાવળ),દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ

(11:58 am IST)