Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ધોરાજીની ગોવર્ધનનાથજી હવેલીના પૂ.ચંપકલતા બેટીજી મહારાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ

ધોરાજી તા.૧૨ : કડીયાવાડ બાલઘા ચોરા પાસે શ્રી ગોવર્ધનનાથજી હવેલીના પૂ.બેટીજી શ્રી ચંપકલતા બેટીજી મહારાજ દ્વારા આયોજીત પવિત્ર પુરૂષોત્તમ માસના પ્રારંભે તા. ૧૬ બુધવારથી તા. રર મંગળવાર ૭ દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (શ્રી સુબોધિનીજી રસપાન)નું ભવ્ય આયોજન શ્રી લેઉઆ પટેલ સમાજ પાર્ટી પ્લોટ જમનાવડ રોડ ધોરાજી ખાતે કરેલ છે. કથાનું રસપાન નગર મોટી હવેલીના રૂષિભાઇ બટુકભાઇ શાસ્ત્રીજીની મધુરવાણી દ્વારા દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજે ૭-૩૦ કલાક સુધી રસપાન કરાવશે.

શ્રીમદ ભાગવત કથાના દિવ્ય પ્રસંગોમાં તા. ૧૬ને બુધવારે બપોરે ર-૩૦ કલાકે ગોવર્ધનનાથની હવેલી કડીયાવાડ ધોરાજી ખાતેથી પોથીયાત્રા વરણાંગી વાજતે ગાજતે પૂ. બાલકોની પધરામણી સાથે નિકળશે. જે શહેરના વિવિધ માર્ગો પર ફરી જમનાવડ રોડ ખાતે લેઉઆ પટેલ પાર્ટી પ્લોટ ખાતે પુર્ણ થશે અને શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થશે બાદ રાત્રીના હાલારી રાસ યોજાશે. તા. ૬ ને ગુરૂવારે નૃસિંહ અવતાર મનોરથ ઉજવાશે અને રાત્રીના રસીયા, તા. ૧૮ને શુક્રવારે કૃષ્ણજન્મ નંદ મહોત્સવ ઉજવાશે રાત્રીના વધાઇ કિર્તન, તા. ૧૯ને શનિવારે બાળલીલા રાત્રે ઢાઢી લીલા, તા. ૨૦ ને રવિવારે ગોવર્ધન લીલા રાસ પંચાધ્યાય રાત્રીના માનસી પરિક્રમા યોજાશે. તા. ૨૧ સોમવારે રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ રાત્રે હાલારી રાસ યોજાશે.તા.રરના મંગળવારે કથા પુર્ણાહુતિ યોજાશે.

શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન રોજે રોજ પૂ.પાદ વલ્લભકુળના પૂ.પાદ બાળકો પધારી દિવ્ય દર્શન સાથે આર્શિવાદ પાઠવશે. વૈષ્ણવ પરિવાર તથા ભાવિક ભકતજનોએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં લાભ લેવા ધોરાજી ગોવર્ધનનાથજી હવેલીના પૂ.પાદ બેટીજી મહારાજ શ્રી ચંપકલતા બેટીજી મહારાજએ દિવ્ય લાભ લેવા યાદીમાં જણાવેલ છે.

(11:57 am IST)