Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

મંગળવારથી દાઉદી વ્હોરા સમાજના રમજાન માસનો પ્રારંભ : ડો.સૈયદના સાહેબ કાલે મહેસાણામાં

૧૫ મેએ પ્રથમ રોઝુ, ૧૩ જૂને ૩૦મી રોઝુ : ૧૪ જૂને ઈદની ઉજવણી થશે : આ વખતે અસહ્ય ગરમીના પગલે ડો.સૈયદના સાહેબ દ્વારા રોઝાદારોને ખાસ મેનુ મોકલાવાયુ

રાજકોટ, તા. ૧૨ : વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) તા.૧૩ને રવિવારના રોજ મુંબઈથી દેનમાલ (હશનફીર) જીલ્લા મહેસાણા પધારશે તથા દાઉદી વ્હોરા સમાજના હજારોની સંખ્યામાં દીદાર કરવા તથા નમાજ અદા કરવા, જીયારત કરવા ઉપસ્થિત થશે.

દાઉદી વ્હોરા સમાજમાં મિસરી કેલેન્ડર મુજબ તા.૧૫ના મંગળવારના રોજથી પવિત્ર  રમજાન માસનો પ્રારંભ થશે. રાજકોટ ખાતે નુર મસ્જીદ, બુરહાનીયા મસ્જીદ, નજમી મસ્જીદ, બદરી મસ્જીદ, કુત્બી મસ્જીદ ઉપરાંત ઝકવી હોલ, બદરી હોલ, સુગર મીલ, એ વન કેટરર્સ, મરમત બાગ,  દુધની ડેરી વગેરે વિસ્તારમાં નમાઝ અદા કરી ખુદાની બંદગી કરશે અને રોઝા કરશે.

આ વર્ષે આકરા તાપમાન સખત ગરમી હોવાને કારણે ઈફતારી સમયે ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના મુંબઈ સ્થિત મુખ્યાલયથી દેશભરમાં સમાજના લોકો માટે ભોજનનો ખાસ મેનુ તૈયાર કરીને મોકલવામાં આવેલ છે. જેથી શરીર સ્વસ્થ રહે. માયાની મીઠાઈની મનાઈ કરવામાં આવેલ હોવાનું જણાવાયુ છે.

તા.૧૫ મંગળવારે પ્રથમ રોઝુ તા.૧૩ જૂનના ૩૦મું રોજુ હશે. તા.૧૪ જૂનના રોજ ઈદની ઉજવણી થશે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડ્સવાળાએ જણાવ્યુ હતું.(૩૭.૫)

(11:56 am IST)