Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

કાળાસરમાં સરપંચની ચૂંટણી બાબતે અને રામા મંડળમાં બેસવા પ્રશ્ને પિતા-પુત્ર સહિત ૩ ઉપર હુમલો

ધીરૂભાઇ રંગપરા, પુત્ર ધર્મેશ અને ભાઇ જેન્તીભાઇને રાજકોટ ખસેડાયાઃ પોપટ, લલીત, વિશાલ, અરવિંદ,ભરત, મનીષ અને અશ્વીન સામે ફરિયાદ

રાજકોટ, તા.૧૨: જસદણના કાળાસર ગામમાં રામામંડળમાં બેસવા બાબતે અને અગાઉ સરપંચની ચૂંટણી પ્રશ્ને ચાલતા મનદુઃખના કારણે કોળી પિતા-પુત્ર સહિત ત્રણ પર સાત શખ્સોએ પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કાળાસર ગામમાં રહેતા ધીરૂભાઇ પોપટભાઇ રંગપરા (ઉ.વ.૪પ) તેના ભાઇ જેન્તીભાઇ પોપટભાઇ રંગપરા (ઉ.વ.૪૦) તથા ધીરૂભાઇનો પુત્ર ધર્મેશ (ઉ.વ.૨પ) ત્રણેય  ગઇકાલે ગામમાં રામામંડળમાં ગયા હતા. ત્યાં બેસવા બાબતે બોલાચાલી થતા ગામમાં જ રહેતા પોપટ ધીરૂ, લલીત સોમા, વિશાલ સોમા, અરવિંદ લાલજી, ભરત લાલજી, મનીષ લાલજી અને અશ્વીન ભરતે ઉશ્કેરાઇને ધોકા તથા પાઇપ વડે કોળી પિતા પુત્ર અને તેના ભાઇ ઉપર હુમલો કરી હાથે અને પગે ઇજા કરી હતી. દેકારો બોલતા લોકો એકઠા થઇ ગયા હતા અને ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. હોસ્પિટલના બીછાને રહેલા ધીરૂભાઇ પોપટભાઇ રંગપરાએ જણાવ્યુ હતું કે રાત્રે ગામમાં રામામંડળ જોવા ગયા ત્યારે ત્યાં બેસવા બાબતે ડખ્ખો થયો હતો. ઉપરાંત અગાઉ સરપંચની ચૂંટણીમાં સામા પક્ષના ભરત લાલજી વાસાણી સરપંચની ચૂંટણીમાં ઉમેદવાર હતા તેની સામે પુંજાભાઇ નથુભાઇ કાગડીયા ઉભા રહ્યા હતા. જેમાં ભરત લાલજી સરપંચની ચૂંટણી હારી જતા તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હોવાનું પણ જણાવ્યુ હતું.

આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના હેડકોન્સ રાણાભાઇ ચીહલાએ કાગળો કરી જસદણ મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:54 am IST)