News of Saturday, 12th May 2018
ઉપલેટા તા ૧૨ : ઉપલેટા તાલુકામાં કપાસનો પાક વિમો માત્ર ૬ ટકા આપેલ હોવાથી ખેડુતોમાં રોષની લાગણી ઉભી થયેલ છે ત્યારે આ બાબતે ગઢાળાના સરપંચ શ્રી નારણભાઇ આહિરે રાજયના કૃષિ મંત્રીને પત્ર પાઠવી જણાવેલ હતુ કે, ઉપલેટા તાલુકામાં જે ૬ ટકા વિમો કપાસનો આપેલ છે તે ખરેખર વિમા કંપનીએ ખેડુતો સાથે મજાક કરેલ છે કપાસનું જે તે વખતે સર્વે કરેલ હતું ત્યારે કપાસમાં મુંડા નામનો રોગચાળો આવેલ હતો અને પાક નિષ્ફળ ગયેલ હતો તે ખેતીવાડી ના અધિકારીઓએ સર્વે પણ કરેલ હતો.
આ બાબતે ખેડુતોને કમસે કમ પ૯ થી ૬૦ ટકા વિમો મળવો જોઇએ તેને બદલે વિમા કંપની અને સરકારે ખેડુતો સાથે ભયંકર મજાક કરેલ હોય તેવો વિમો મજંુર કરેલ છે ખરેખર જોઇએ તો ૬ ટકા એટલે વિમો ન જ આપયા બરાબર ગણાય, જે વિમો આપેલ છે તેના કરતા તો વિમા પ્રિમીયમ ની રકમ વધારે થવા જાય છે.
આમ સરકાર અને વિમા કંપનીએ કઇ રીતે આ ૬ ટકા વિમો આપેલ છે તે ખેડુતોને મગજમાં બેસતુ નથી આજે ખેડુતોને ખેત પેદાશના એક તો ભાવ પુરતા પ્રમાણમાં મળતા નથી, તેમજ દવા ખાતર મજુરીના ભાવો આસમાને પહોંચેલ છે અને આવા સંજોગોમાં પાક નિષ્ફળ જાય અને સરકાર આટલો લાંબો સમય સુધી રાહ જોવળાવીને માત્ર ખેડુતોને નિરાશ કરે તે કયાંનો ન્યાય કહેવાય? શું સરકાર આને વિકાસ કહે છે ? ખેડુતોને આવો સામાન્ય પાક વિમો આપીને સરકાર તથા વિમાકંપનીએ જગતના તાતનુ ઘોર અપમાન કરી વરવી મજાક કરેલ છે.
નારણભાઇ આહિરે એવી પણ ટકોર કરેલ હતી કે ખેડુતોને હવે જાગવાનો સમય આવી ગયો છે. સરકારના કૃષિરથ અને કૃષિમેળાઓનોં ખેડુતો દ્વારા વિરોધ કરવો જોઇએ તેવુ વડાળીના માજી સરપંચે પણ એક યાદીમાં જણાવેલ હતું.