Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

૩૩ પાકિસ્તાની નાગરિકો ભારતીય બન્યા

કચ્છમાં શરણું લેનારા સોઢા, હરિજન અને મુસ્લિમોના હૈયે હરખઃ હજુ અનેક અરજીઓ પેન્ડીંગ છે તે પણ ઉકેલની રાહમાં

ભુજ, તા.૧૨: ના યુદ્ઘ દરમ્યાન પાકિસ્તાન છોડીને કચ્છમાં શરણું લેનારા સોઢા શરણાર્થીઓ હોય કે પછી પાકિસ્તાન ની વર્તમાન અશાંત પરિસ્થિતિમાં પાકિસ્તાન છોડીને કચ્છ માં વિઝા ઉપર જ રહી ગયેલા પાકિસ્તાની નાગરિકો હોય તેઓ સતત ભારતીય નાગરિકત્વ મેળવવા ઝઝૂમતા હતા.એવા ૩૩ પાકિસ્તાની નાગરિકો માટે ૧૧ મે ૨૦૧૮ નો શુક્રવાર શુકનિયાળ રહ્યો.ભુજ મધ્યે જિલ્લા કલેકટર રેમ્યા મોહન ના હસ્તે તેમને ભારતીય નાગરિકત્વ પ્રદાન કરાયું હતું.ભુજ ની જિલ્લા કલેકટર કચેરી મધ્યે હાથ ધરાયેલ આ કામગીરી માં સોઢા,હરિજન અને મુસ્લિમ નાગરિકોને પણ તેમણે લાંબા સમય થી કરેલી અરજીના આધારે ભારતીય નાગરિકત્વ પ્રદાન કરાયું હતું.

વર્ષો સુધી ભારતીય નાગરિકત્વ મેળવવાની ઓળખ માટે ઝઝૂમતા પાકિસ્તાનના આ રહેવાસીઓના ચહેરા ઉપર આનંદ અને હૈયામાં હરખ વરતાતો હતો.રામસંગજી સોઢા અને ગગુજી સોઢા એ ભુજ ની જિલ્લા કલેકટર કચેરીમાં ભારતીય નાગરિક બનવાની ક્ષણોને યાદગાર અને ઐતિહાસિક ગણાવી હતી.વર્ષોથી ભારતીય નાગરિક બનવાની માંગણી પુરી થતા, હવે આ નાગરિકો આપણી જેમ તમામ સરકારી યોજનાઓ નો લાભ મેળવી શકશે. ભારત માં મિલકત અને જમીન ની ખરીદી તેમ જ વેંચાણ કરી શકશે.મુકત રીતે એક સ્થળે થી બીજા સ્થળે ફરી શકશે.સગાઈ અને લગ્ન જેવા સામાજિક રીત રિવાજો પણ સરળતાથી કરી શકશે.આ પાકિસ્તાની નાગરિકો ત્યાં પાકિસ્તાનમાં અશાંત અને ભયગ્રસ્ત પરિસ્થિતિ ને બદલે હવે ભારતીય નાગરિક બનીને કચ્છમાં શાંતિપૂર્ણ રીતે રહી શકશે.

લગ્ન સબંધ હોય કે સામાજિક કાર્યક્રમો હોય પાકિસ્તાન અને કચ્છ વચ્ચે વ્યવહારીક સંબધ ગાઢ રહ્યો છે.તેમાંય સિંધ પ્રાન્તના અનેક લોકો કચ્છ સાથે વ્યવહાર ધરાવવાની સાથે કચ્છમા કાયમી વસવાટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. જો કે કાયદાની આંટીદ્યૂંટી સરળ બનતા દિલ્હી અને ગાંધીનગર ને બદલે જિલ્લા કક્ષાએ થી જ કાર્યવાહી થતાં હાલાકી દ્યટી અને આ કામગીરી વધુ સરળ અને શકય બની છે. જો કે,હજુ અનેક લોકોએ ભારતીય નાગરીક બનવા કરેલી અરજી પેન્ડીંગ છે તેવામાં આજે ૩૩ લોકો ને ભારતીય નાગરીકત્વ મળતા અન્ય અરજી કરનારાઓ માં એક નવી આશા જાગી છે.પરંતુ, હજુ ખેતી માટે જમીન અને રહેવા માટે પ્લોટ ની મંજૂરી ની સાથે નાગરીકત્વ માટેની કાર્યવાહી ઝડપી થાય તેવી રજુઆત છે.(તસ્વીર અહેવાલ, વિનોદ ગાલા, ભુજ)

(11:42 am IST)